News Continuous Bureau | Mumbai
મુંબઈના પ્રભાદેવી સ્થિત એક ઈ-કોમર્સ કંપનીની ઓફિસમાં ₹1.33 કરોડની મોટી ચોરી થઈ હતી. દાદર પોલીસે આ કેસમાં કંપનીના ૨૫ વર્ષીય કર્મચારીની ધરપકડ કરી છે. આરોપીએ સ્વીકાર્યું છે કે તે દેવામાં ડૂબેલો હોવાથી તેણે તેના વતનના મિત્ર સાથે મળીને આ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ₹1.13 કરોડ રિકવર કર્યા છે. ચોરોએ પકડાઈ ન જવા માટે ઓફિસનો પાવર સપ્લાય પણ કાપી નાખ્યો હતો, પરંતુ તેમની એક ભૂલે તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા.
ચોરીની અનોખી મોડસ ઓપરેન્ડી
તપાસમાં બહાર આવ્યું છે કે આ હાઈટેક ચોરી દરમિયાન આરોપી કર્મચારી પોતે ઓફિસની બહાર ઉભો હતો. તેણે તેના મિત્રને ઓફિસની અંદર મોકલ્યો અને તેને WhatsApp Video Call કરીને લાઈવ માર્ગદર્શન આપ્યું હતું. વીડિયો કોલ પર જ તેણે સમજાવ્યું હતું કે બાયોમેટ્રિક લોક કેવી રીતે ખોલવું અને કબાટની ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ ક્યાં કરવો. ચૂંટણીની આચારસંહિતાને કારણે રોકડ બેંકમાં જમા કરાવાઈ નહોતી, જેની આરોપીને જાણ હતી.
આ સમાચાર પણ વાંચો : Gangster Ravi Pujari: ગેંગસ્ટર રવિ પૂજારીની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ: રેમો ડિસોઝાને ધમકાવી ₹50 લાખની ખંડણી માંગવાનો આરોપ; જાણો શું છે સમગ્ર વિવાદ.
પોલીસને કેવી રીતે મળી સફળતા?
ચોરીની જાણ થતા જ દાદર પોલીસે તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજ જોતા પોલીસને શંકા ગઈ કે ચોર ઓફિસના ખૂણેખૂણાથી વાકેફ હતો, જે કોઈ ઘરભેદુ જ હોઈ શકે. પોલીસે ટેકનિકલ તપાસ અને કર્મચારીઓના મોબાઈલ એક્ટિવિટી ચેક કરી તો આરોપી કર્મચારીનો વોટ્સએપ કોલ ડેટા શંકાસ્પદ જણાયો. કડક પૂછપરછમાં તેણે બધી વિગતો કબૂલી લીધી હતી.ચોરી દરમિયાન એક આશ્ચર્યજનક બાબત એ હતી કે ચોરોએ કબાટમાંથી માત્ર ₹1.33 કરોડ જ લીધા હતા, જ્યારે તેની બાજુના જ ખાનામાં રાખેલા અન્ય ₹8.70 લાખને તેઓ અડ્યા પણ નહોતા. કદાચ ઉતાવળમાં તેઓ આ રકમ ભૂલી ગયા હતા. હાલમાં મુખ્ય આરોપી પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે તેનો સાથીદાર બાકીની રકમ સાથે ફરાર છે. તેને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે.