ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 મે 2021
સોમવાર
આ પર્યાવરણપ્રેમી માણસ મળવા જેવો અને જાણવા જેવો છે. પર્યાવરણનું સંવર્ધન કરવા માટે ‘વૃક્ષો બચાવો અને વૃક્ષો વાવવો’ની થિયરીને અમલમાં મૂકનારા શુભોજિત મુખર્જીએ હવે આગામી સમયમાં મુંબઈમાં એક હજારથી પણ વધુ લીમડાનાં વૃક્ષોને રોપવાનો નિરધાર કર્યો છે. પોતાના પૈસાથી શુભોજિત લીમડાના છોડ ખરીદવાના છે. જે પણ પર્યાવરણપ્રેમી વૃક્ષનું જતન કરવા માગતો હોય અથવા કોઈ હાઉસિંગ સોસાયટી પણ તેમની સોસાયટીમાં લીમડો વાવવા માગતી હોય તો તેઓ શુભોજિતનો સંર્પક કરી શકે છે.
શુભોજિતના જણાવ્યા પ્રમાણે આપણે પર્યાવરણની રક્ષા માટે વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. ગયા અઠવાડિયે વાવઝોડામાં મુંબઈમાં સેંકેડો વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં. એમાં અનેક હાઉસિંગ સોસાયટીમાં પણ વૃક્ષો તૂટી પડ્યાં હતાં. એક અંદાજ મુજબ 800થી વધુ વૃક્ષોને નુકસાન થયું છે. આટલા મોટા પ્રમાણમાં વૃક્ષોને નુકસાન થાય ત્યારે આપણે પર્યાવરણને એની ભરપાઈ કરવી જ પડે છે. એથી એનાથી બમણી સંખ્યામાં મુંબઈમાં વૃક્ષોનું વાવેતર કરવાનો નિર્ણય લીધો છે.
પર્યાવરણપ્રેમીઓ આગળ આવે એવું કહેતાં સુભોજિતે જણાવ્યું હતું કે પર્યાવરણનું જતન કરવા ઇચ્છતી વ્યક્તિ આગળ આવે. તેઓ એક વૃક્ષનું વાવેતર કરશે એવી પ્રતિજ્ઞા લે. હું લોકોને વાવવા માટે છોડ આપીશ. વાવાઝોડા બાદ વૃક્ષોને થયેલા નુકસાન સામે બમણાં વૃક્ષ રોપવાનો મેં સંકલ્પ કર્યો છે. મારી પાસે ચાર ફૂટના લીમડાના છોડ છે. પ્રેમથી તેને વાવો, તેનું સિંચન કરો.
મારા ખર્ચે હું લોકોને લીમડાનો છોડ આપીશ એવું જણાવતાં સુભોજિતે કહ્યું હતું કે કોઈ લીમડાનો છોડ વાવવા ઇચ્છતું હોય તો તેઓ મારો સંપર્ક કરે. હું BMC સાથે આ અભિયાન ચલાવી રહ્યો છું. મારી બચતમાંથી એક હજાર લીમડાના છોડ લીધા છે. હાલ લૉકડાઉન છે, એથી હું કોઈને હમણાં છોડ પહોંચાડી નહીં શકું, પણ લોકડાઉન પૂરું થવાની સાથે જ જે-તે વ્યક્તિને તેઓ કહેશે ત્યાં હું લીમડાનો છોડ પહોંચાડીશ. ફક્ત અગાઉથી મને જાણ કરો તો હું તેમને માટે એક છોડ બુક કરી રાખીશ. મને trees.subhajit.gmail પર સંપર્ક કરીને તમારા માટે છોડ બુક કરાવી શકો છો.
વૃક્ષોના સંવર્ધન પાછળ રાતદિવસ એક કરના શુભોજિતે જોકે એક વાત
સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેની ફરિયાદ મુજબ વાવાઝોડાના નામે અનેક હાઉસિંગ સોસાયટીઓએ પાલિકા પાસે તેમની સોસાયટીમાં ઝાડ કાપવાની મંજૂરી માગી છે. વૃક્ષોને નવજીવન આપવાને બદલે લોકો તેને કાપવાની વાત કરી રહ્યા છે. ફકત ઝાડની ડાળખીઓ તૂટી પડી એટલે તેને કાપી નાખવું ન જોઈએ, એવુ ના કરો. વૃક્ષ જૂનું હોય, જોખમી હોય તો અલગ વાત છે. સેંકડો સોસાયટીઓ એવી છે જેણે વાવાઝોડાના નામે તેમની સોસાયટીમાં જોખમી વૃક્ષો હોવાનું કહીને પાલિકા પાસે એને કાપવાની મંજૂરી માગી છે.