ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 સપ્ટેમ્બર 2020
જેમ મુંબઈ મહાનગરપાલિકામા શિવસેનાનું એક હથ્થુ રાજ છે એવી જ રીતે મીરા-ભાયંદર મહાનગરપાલિકાના માં બીજેપીની વર્ષોથી સત્તા રહી છે. પરંતુ , હવે ત્યાં પણ હુંસાતુંસી ચાલુ થઈ ગઈ છે. પાછલા કેટલાક સમયથી હોદ્દા વગરના એક સ્થાનિક નેતાએ પોતાને સર્વેસર્વા માની અવાર-નવાર મનપાના કામમાં દખલગીરી કરતા હોવાથી, મોટાભાગના નગરસેવકો નારાજ થયા હોવાનું બહાર આવ્યું છે.
મીરા-ભાયંદરમાં બીજેપીના આંતરિક ઝગડા નો લાભ શિવસેના ઉઠાવી શકે છે, એવી આશંકા વ્યક્ત થઈ રહી છે. બની શકે શિવસેના આ આંતરિક લડાઇનો ફાયદો ઉઠાવી મીરા-ભાયંદરમાં સત્તા પરિવર્તન પણ કરાવી શકે છે. ભારતીય જનતા પાર્ટીના કેટલાક નગરસેવકો નું કહેવું છે કે પદ વગરના આ નેતાએ બીજેપીના જિલ્લા અધ્યક્ષને પણ અંધારામાં રાખી નગરસેવકોની એક બેઠક બોલાવી હતી. જેમાં મનપા અંગેની તમામ માહિતી લીધી હતી. જેને કારણે પદ પર બેઠેલા નગરસેવકો નારાજ થયા છે. આથી જ અનેક નગરસેવકો શિવસેનાના સંપર્કમાં હોવાનું કહેવાય છે.
હાલ મીરા-ભાયંદર મહાનગરપાલિકામાં સત્તા મેળવવા માટે 47 નો આંકડો જરૂરી છે. તેમાંથી શિવસેના પાસે 22 નગરસેવકો રહેલા છે. સૂત્રોના જણાવ્યા મુજબ શિવસેના બીજેપીના ટેકાથી સત્તા પરિવર્તન કરવાનો પ્રયાસ કરી શકે એમ છે. આવું અનુમાનનું એક કારણ એ પણ છે કે ,સત્તાધારી બીજેપીના નગરસેવકોની ગઈકાલે પાલિકામાં મેયરની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવાઇ હતી. જેમાં 60 માંથી માત્ર 35 નગરસેવકો જ હાજર રહ્યા હતા. જ્યારે 25 જેટલા બીજેપીના નગરસેવકો કોઈ કારણ આવ્યા ન હતા..