ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં અનેક પ્રકારનાં વિઘ્નો આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે માત્ર 28 ટકા જમીનનું જ સંપાદન થઈ શક્યું છે. એને કારણે મહત્ત્વના ગણાતા મુંબઈમાં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ(BKC) સ્ટેશનના બાંધકામ માટે ટેન્ડરનું કામ અટવાઈ પડ્યું છે. સામાન્ય રીતે પ્રોજેક્ટ માટે જમીનનું સંપાદન 80 ટકા થયા બાદ જ સ્ટેશનના બાંધકામનો વિચાર કરવામાં આવતો હોય છે. તેથી BKC સ્ટેશન ઊભું કરવા માટે ઑગસ્ટના બદલે હવે ડિસેમ્બરમાં ટેન્ડર બહાર પાડવામાં આવે એવી શક્યતા છે. આ અગાઉ પણ અનેક વખત ટેન્ડર બહાર પાડવાની તારીખમાં ફેરફાર થયો છે.
બુલેટ ટ્રેન માટે BKCમાં અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવામાં આવવાનું છે. એમાં અન્ડરગ્રાઉન્ડ ટનલ, સ્ટેશન બિલ્ડિંગ સહિત અનેક ટેક્નિકલ કામ કરવામાં આવવાનાં છે. સ્ટેશન બનાવવા માટે લગભગ 1,800 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. લગભગ 4.9 હેક્ટર જગ્યામાં સ્ટેશન ઊભું કરવામાં આવવાનું છે. એમાં 16 બુલેટ ટ્રેન માટે છ પ્લૅટફૉર્મ બનાવવામાં આવશે. અગાઉ સ્ટેશન માટે 18 ફેબ્રુઆરી, 2021ના ટેન્ડર બહાર પાડવામાં આવવાનાં હતાં. જોકે અનેક અવરોધોને પગલે એ અટવાઈ ગયું છે. જેમાં BKC સ્ટેશન જ્યાં ઊભું કરવામાં આવવાનું છે ત્યાં કોરોના કોવિડ સેન્ટરની પાસે જ નજીક એક પેટ્રોલ પમ્પ પણ આવેલો છે. એથી સ્ટેશન ઊભું કરવામાં સમસ્યાઓ આવી રહી છે. ઉપરાંત જમીન સંપાદનમાં થાણે અને પાલઘર જિલ્લાના ગ્રામીણ વિસ્તારના રહેવાસીઓના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.