ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 નવેમ્બર 2021
સોમવાર.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજકીય પાર્ટીઓએ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવાનું ચાલુ કરી દીધું છે. જેમાં હાલ મુંબઈ મહાનગરપાલિકામાં ફકત એક જ નગરસેવક ધરાવતી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)પણ ચૂંટણી નજીક આવવાની સાથે જ સક્રિય થઈ ગઈ છે. મનસેના નેતા સંદીપ દેશપાંડેએ મુંબઈ મનપામાં વીરપ્પન ગેંગ સક્રિય હોઈ તે મુંબઈગરાને લૂંટવાનું કામ કરી રહી છે અને ભ્રષ્ટાચારના પૈસા પણ ચેકમાં વસૂલી રહી હોવાનો આરોપ કર્યો છે.
મનસેના જનરલ સેક્રેટરી સંદીપ દેશપાંડેએ તાજેતરમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરીને ખળભળાટ મચાવી દીધો છે. વિડિયોમાં તેઓ ચેકમાં પૈસા લઈને ભ્રષ્ટાચાર કરનારા નગરસેવકોનો પર્દાફાશ કરવાના હોવાનો દાવો કર્યો છે.
ચંદનચોર વિરપ્પને લોકોને લૂંટયા નહીં હોય તેનાથી વધુ સત્તાધારીઓએ મહાનગરપાલિકાને લૂંટી છે. મુંબઈ મહાનગરપાલિકામાં વિરપ્પન ગેંગ છે, જેણે પાલિકામાં લૂંટ ચલાવી છે. અનેક કૌભાંડ કરવામાં આવે છે. સ્થાયી સમિતિના કામ પણ આ ગેંગને આપવામાં આવે છે. આવી ગેંગનું એન્કાઉન્ટર કરવું પડશે. રસ્તાના કામમાં કૌભાંડ, નાળાસફાઈના કામમાં કૌભાંડ હવે કોરોના કાળમાં પણ કૌભાંડ કરવામાં આવ્યા છે. સત્તાધારી પાર્ટીએ લૂંટવાનું કંઈ બાકી રહ્યું નથી એવા આરોપ પણ સંદીપ દેશપાંડેએ કર્યા છે.