News Continuous Bureau | Mumbai
MNS protest Mumbai મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના તીવ્ર વિરોધનો સામનો કરવો પડ્યો છે. આ રેસ્ટોરન્ટનું મેન્યુ કાર્ડ અને તમામ આંતરિક વ્યવહાર ફક્ત ગુજરાતી ભાષામાં થતો હોવાના મુદ્દે મનસેના કાર્યકર્તાઓએ રેસ્ટોરન્ટમાં જઈને માલિકને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
મનસેના કાર્યકર્તાઓએ રેસ્ટોરન્ટના માલિકને લેખિત પત્ર આપીને મરાઠીમાં મેન્યુ અને સાઈનબોર્ડ ન હોવા બદલ આકરો વિરોધ નોંધાવ્યો છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે.
મનસે દ્વારા રેસ્ટોરન્ટના માલિકને લખેલા પત્રમાં સ્પષ્ટપણે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે કે તેઓ ઘણા વર્ષોથી મહારાષ્ટ્રમાં ધંધો કરે છે અને તેમના ગ્રાહકોમાં મોટી સંખ્યામાં મરાઠી લોકો હોવા છતાં, મરાઠી ભાષાની સતત અવગણના કરવામાં આવી રહી છે. પત્રમાં નોંધવામાં આવ્યું છે કે દુકાનનું સાઈનબોર્ડ માત્ર ગુજરાતી ભાષામાં છે, મરાઠીમાં નથી, અને દુકાનની અંદરના બોર્ડ પણ ફક્ત ગુજરાતી લોકોને સમજાય તેવી ભાષામાં છે. વધુમાં, થોડા દિવસો પહેલા જ્યારે એક ગ્રાહકે મરાઠીમાં પાકું બિલ માંગ્યું, ત્યારે રેસ્ટોરન્ટના માલિકે માત્ર ગુજરાતી ભાષામાં જ બિલ આપવાનું કહ્યું હતું, જે સ્થાનિક ભાષામાં બિલ આપવાની ફરજિયાત જોગવાઈનું ઉલ્લંઘન છે. મનસેએ સવાલ કર્યો છે કે, “તમે ભૂલી ગયા છો કે મહારાષ્ટ્ર રાજ્યની ભાષા મરાઠી છે, કે પછી તમે જાણી જોઈને મરાઠી ભાષાની ઉપેક્ષા કરી રહ્યા છો?”
આ સમાચાર પણ વાંચો :Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
મનસેએ રેસ્ટોરન્ટના માલિકને મરાઠી ભાષાના સન્માન માટે આગામી ૧૫ દિવસની અંદર યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે. આવેદનપત્રમાં માગણી કરવામાં આવી છે કે દુકાનનું નામ-બેનર અને અંદરના તમામ બોર્ડ મરાઠી ભાષામાં હોવા જોઈએ.
કાર્યકર્તાઓએ ચેતવણી આપી છે કે, જો આગામી પંદર દિવસમાં આ સુધારાઓ કરવામાં નહીં આવે, તો મનસે પોતાની ‘મનસે સ્ટાઈલ’ માં આ કામ કરીને બતાવશે.
નોંધનીય બાબત એ છે કે, રેસ્ટોરન્ટના માલિકે મનસેના આ આવેદનપત્ર પર પોતાની સહી પણ ગુજરાતી ભાષામાં જ કરી હતી.