ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,25 જાન્યુઆરી 2022
મંગળવાર.
પાડોશી દેશને કારણે સોમવારે મુંબઈની હવા ઝેરી બની ગઈ હતી. છેલ્લા સાત વર્ષમાં પહેલી વખત મુંબઈમાં વાતાવરણમાં મોટા પ્રમાણમાં પ્રદૂષણ રહ્યું હતું. સોમવારના હવાની ગુણવત્તાનો સ્તર ઘસરી ગયો હતો અને એર ક્વોલિટી ઈન્ડેક્સ(એક્યુઆઈ) 500ને પાર કરી ગયો હતો. મંગળવાર સવારના પણ મુંબઈનો સરેરાશ એક્યુઆઈ 387 રહ્યો હતો.
મુંબઈમાં રવિવારે પાકિસ્તાનથી આવેલા ધૂળના વંટોળની અસર મુંબઈમાં સોમવારે સતત બીજા દિવસે પણ જણાઈ હતી. મુંબઈનું વાતાવરણ પ્રદૂષિત થવાની સાથે જ હવા પણ ઝેરીલી બની ગઈ હતી.
મુંબઈમાં હવાની ગુણવત્તા પર નજર રાખનારી સંસ્થા ‘સફર’ના વેબસાઈટ મુજબ સોમવારે મુંબઈમાં હવાની ગુણવત્તા નું સ્તર સાત વર્ષમાં પહેલી વખત નીચે ઘસરી ગયું હતું. મુંબઈનું વાતાવરણ પૂર્વવત થવામાં હજી ૨૪ કલાકનો સમય લાગશે એવો અંદાજ છે. મુંબઈમાં સોમવારના સવારના ૪૫૩ એક્યુઆઈ સાથે પૂરા મુંબઈની હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં નોંધાઈ હતી. મંગળવારે જોકે એક્યુઆઈ 387 રહ્યો હતો, તે પણ ગંભીર શ્રેણીમાં જ આવે છે.
મુંબઈના પરાના આ વિસ્તારમાં રહેશે 18 કલાકનો પાણીકાપઃ 27 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી પાણી સંભાળીને વાપરજો; જાણો વિગત
સફરના કહેવા મુજબ મુંબઈમાં આ પહેલા આટલી પ્રદૂષિત હવા ફેબ્રુઆરી ૨૦૧૬માં નોંધાઈ હતી. જ્યારે દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં આગ લાગી હતી અને તે ચારથી -પાંચ દિવસ સુધી સતત સળગતી રહી હતી. એ સમયે સમગ્ર મુંબઈનો એક્યુઆઈ ૩૮૧ હતો. ત્યારબાદ સોમવારે પહેલી વખત મુંબઈની હવાનું ગુણવત્તાનું સ્તર ઘસરી ગયું છે.
‘સફર’ની વેબસાઈટ મુજબ મુંબઈના ૧૦ મોનિટરિંગ સ્ટેશનોમાં સૌથી વધુ પ્રદૂષિત હવા મઝગાંવમાં નોંધાઈ હતી. સવારના અહીં એક્યુઆઈ ૭૨૨ સાથે સૌથી ગંભીર શ્રેણીમાં રહ્યો હતો. સોમવાર સવારના મુંબઈનો સરેરાશ એક્યુઆઈ ૪૫૩ રહ્યો હતો. કોલાબામાં ૫૪૮, મલાડમાં ૫૦૮, મઝગાંવમાં ૭૨૨, બોરીવલીમાં ૪૬૭, બીકેસીમાં ૩૬૦, અંધેરીમાં ૪૬૮, ચેંબુરમાં ૪૯૭, વરલીમાં ૩૭૯ અને ભાંડુપમાં ૪૨૬ એક્યુઆઈ નોંધાયો હતો.