News Continuous Bureau | Mumbai
ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં મુશળધાર(Heavy rainfall) પડયા બાદ વરસાદે ખાસ્સો વિરામ લીધો હતો. હવે સપ્ટેમ્બરમાં ફરી ચોમાસું(Monsoon) સક્રિય થઈ રહ્યુ છે. શનિવાર રાતથી મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લામાં ભરી એક વખત વરસાદે જોરદાર એન્ટ્રી કરી છે. હવામાન ખાતાએ (Weather department) આગામી ચારથી પાંચ દિવસ મુંબઈ સહિત રાજયના અનેક જિલ્લામાં હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડવાની આગાહી કરી છે. તેથી બરોબર ગણપતિબાપ્પાના વિસર્જન(Ganapatibappa Visarjan) સમયે વરસાદ પડવાની શક્યતા છે.
હાલ મુંબઈ-મહારાષ્ટ્ર સહિત પૂર્વ ભારત અને ઉત્તર-મધ્ય ભારતમાં મેઘગર્જના, વીજળીના કડાકા(Lightning strikes), તોફાની પવન(Stormy wind) સાથે વરસાદી માહોલ સર્જાયો છે. શનિવારે મોડી રાતથી વહેલી સવાર દરમિયાન મુંબઈના પૂર્વનાં અને પશ્ચિમનાં પરાંમાં ગાજવીજ અને તીવ્ર પવન(Strong wind) સાથે વરસાદી માહોલ સર્જાયો હતો.
શનિવારે લાલબાગના રાજા અને ચિંતામણી ગણપતિ(Lalbaghcha Raja and Chintamani Ganapati) સહિતના ગણેશજીના દર્શને નીકળેલા હજારો ભક્તો મધરાતે ગાજવીજ સાથે તૂટી પડેલા ગાંડાતૂર વરસાદે ભીંજવીને તરબોળ કરી નાખ્યા હતા. ઓચિંતા વરસાદને લીધે છત્રી વગર નીકળેલા ભક્તો બરાબરના અટવાયા હતા. ચિંચપોકલી, લોઅરપરેલ, મહાલક્ષ્મી સ્ટેશનો પર અને પુલ પર રીતસર લોકોની ભારે ભીડ જામી હતી.
આ સમાચાર પણ વાંચો : ગણેશ ભક્તોએ લાલબાગના રાજાના ચરણોમાં દિલ ખોલીને કર્યું દાન- માત્ર ચાર દિવસમાં આવ્યું અધધ આટલા કરોડ રૂપિયાનું દાન
બીજી બાજુ જુદા જુદા મંડપોમાં દર્શન માટે લાઈન લાગી હતી. તેમાં વરસાદે વિધ્ન આણ્યું હતું. રાત્રે બાર વાગ્યાના સુમારે વીજળીના જોરદાર કડાકા સાથે જોરદાર વરસાદ તૂટી પડયો હતો. તળ મુંબઈ અને પરાંમાં લગભગ એક કલાક સુધી વરસાદનું જોર રહ્યું હતું. એકધારા વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રવિવારે વહેલી સવારના પણ બે ફૂટ સુધીના પાણી ભરાયા હતા અનેક જગ્યાએ ટ્રાફિક ડાઈવર્ટ(Traffic divert) કરાયો હતો. રવિવાર સવાર બાદ જોકે વરસાદનું જોર ઘટ્યું હતું અને છૂટાછવાયા ઝાપટાં પડી રહ્યા છે. સોમવાર સવારથી મુંબઈમાં ફરી વાદળિયું વાતાવરણ સર્જાયું છે.
હવામાન ખાતાના કહેવા મુજબ આગામી ચાર દિવસ એટલે કે પાંચથી આઠ સપ્ટેમ્બર દરમિયાન, કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભમાં ગાજવીજ, તીવ્ર પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવા કુદરતી પરિબળો સર્જાયા છે.
હવામાના ખાતાના કહેવા મુજબ હાલ ઉત્તર-દક્ષિણ દિશામાં હવાના હળવા દબાણનો પટ્ટો મધ્ય પ્રદેશથી મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્ર થઈને છેક કોમોરુન (તામિલનાડુ) સુધીના આકાશમાં સર્જાયો છે. એ ઉપરાંત હાલ પવનો નૈઋત્ય દિશાને બદલે પૂર્વ દિશામાંથી ફૂંકાઈ રહ્યા હોવાથી આકાશમાં બે વિરુદ્ધ દિશાના પવનોની જબરી ચક્કર પણ થઈ રહી છે. આવાં બદલાયેલા કુદરતી પરિબળોની વ્યાપક અસરથી આગામી ચાર દિવસ એટલે પાંચથી ૮ સપ્ટેમ્બર દરમિયાન કોંકણ (મુંબઈ, થાણે, પાલઘર, રત્નાગિરી, સિંધુદુર્ગ), મધ્ય મહારાષ્ટ્ર (ધુળે, નાશિક, જળગાંવ, પુણે), મરાઠવાડા (લાતુર, પરભણી, જાલના, હિંગોળી), વિદર્ભ (અકોલા, અમરાવતી, નાગપુર, વર્ધા)માં મેઘગર્જના, વીડળીના કડાકા તીવ્ર પવન સાથે હળવા-મધ્યમ વરસાદની શક્યતા છે.
હવામાન ખાતાએ એવી પણ શક્યતા વ્યક્ત કરી છે કે ૯, સપ્ટેમ્બર બાદ મહારાષ્ટ્રમાં ફરીથી વરસાદી માહોલ શરૂ થાય તેવાં કુદરતી પરિબળો આકાર લઈ રહ્યા છે. ઉપરાંત સાત, સપ્ટેમ્બર બાદ બંગાળના અખાતમાં(Bay of Bengal) હવાના હળવા દબાણનું કેન્દ્ર (લો પ્રે શર) પણ સર્જાવાની સંભાવના છે. બંગાલના ઉપસાગરમાં લો પ્રેસર સર્જાયો તો ઓડીશા, બંગાળમાં મુશળધાર વરસાદ વરસવાની શક્યતા છે. એ ઉપરાંત સપ્ટેમ્બરમાં નૈઋત્યના ચોમાસાની વિદાયની પ્રક્રિયામાં પણ વિલંબ થવાની શક્યતા છે.