ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 માર્ચ 2021
ઉત્તર મુંબઈના લોકપ્રિય તેમજ સતત લોકોની વચ્ચે રહેનાર સાંસદ સભ્ય ગોપાલ શેટ્ટી કોરોનાના સપાટામાં આવ્યા છે. તેમને કોરોના થયો તેથી આખા ઉત્તર મુંબઈમાં ચિંતાનું વાતાવરણ છે. આનું પ્રમુખ કારણ એ છે કે ગોપાલ શેટ્ટી આખા કોરોના કાળ દરમ્યાન તેમજ છેલ્લા ઘણા સમયથી 'હાઇપર એક્ટિવ' રહ્યા હતા.
તેમની આ એક્ટિવિટી ને કારણે લોકોને તો ઘણો ફાયદો થયો પરંતુ હવે ભાજપના કાર્યકર્તાઓ એ વાતથી ડરી રહ્યા છે કે છેલ્લા અનેક દિવસથી તેઓ ગોપાલ શેટ્ટી ના સંપર્કમાં આવ્યા હતા.
નામ ન આપવાની શરતે ભાજપના એક વરિષ્ઠ કાર્યકર્તા એ ન્યુઝ કંટીન્યૂઝને જણાવ્યું કે ગોપાલ શેટ્ટી નો કાર્યક્રમ સતત વ્યસ્ત રહેતો હતો અને તેઓ લોકોથી ઘેરાયેલા રહેતા હતા જેને કારણે અનેક કાર્યકર્તાઓ હવે એ તપાસી રહ્યા છે કે ક્યાંક તેઓ તો ગત સપ્તાહ દરમિયાન ગોપાલ શેટ્ટીના સીધા સંપર્ક માં નહોતાને ???
આ ઉપરાંત ગત દિવસો દરમિયાન મહારાષ્ટ્રના સ્પોર્ટ્સ મિનિસ્ટર સુનિલ કેદારે બોરીવલી આવ્યા હતા ત્યારે ગોપાલ શેટ્ટી તેમને મળ્યા હતા. તેના થોડા સમય પછી જ ગોપાલ શેટ્ટી હોસ્પિટલ ભેગા થયા. આથી મહારાષ્ટ્રના ખેલકૂદ પ્રધાન પણ હવે કોરોના ના ખતરામાં આવી ચૂક્યા છે.
ગોપાલ શેટ્ટી ને સૌપ્રથમ તાવ જેવું લાગતું હતું ત્યારબાદ તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવતા તેઓ હોસ્પિટલ ભેગા થયા હતા.
આમ હાલ ઉત્તર મુંબઈમાં ભાજપના અનેક કાર્યકર્તાઓ સાવચેતી વર્તી રહ્યા છે અને સાથે જ ગોપાલ શેટ્ટી ના સ્વસ્થ થવાની રાહ જોઇ રહ્યા છે.