ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 03, માર્ચ 2022,
ગુરુવાર.
બેસ્ટ બસ અને લોકલની સાથે હવે મેટ્રો સેવા પણ મુંબઈમાં લોકોની લાઈફલાઈન બની ગઈ છે. મેટ્રો શરૂ થયા બાદ મુંબઈના ટ્રાફિક પરનો તણાવ ઘણો ઓછો થયો છે. ત્યારે મુંબઈવાસીઓ માટે વધુ સારા સમાચાર છે. મેટ્રો રૂટ 7નો પ્રથમ તબક્કો માર્ચના અંત સુધીમાં મુંબઈકરોની સેવામાં શરૂ કરવામાં આવશે. તેથી મુંબઈકરોને ટ્રાફિક જામમાંથી છુટકારો મળે તેવી શક્યતા છે
પ્રાપ્ત જાણકારી મુજબ મેટ્રો 7 અને મેટ્રો 2A કોરિડોરના આરે સ્ટેશન અને દહાણુકરવાડી સ્ટેશન વચ્ચે જૂનથી ટ્રાયલ રન ચાલી રહ્યું છે. MMRDA કમિશનર SVR શ્રીનિવાસનના જણાવ્યા અનુસાર, CRS ટેસ્ટમાં 60 ટકા રૂટ પાસ થયા છે. હવે માત્ર ફાયર સેફ્ટી, સિવિલ વર્ક જેવા કેટલાક નાના પરીક્ષણોની તપાસ કરવાની બાકી છે. વિભાગ તમામ પરીક્ષણો માટે તૈયાર છે. હવે માત્ર બાકીના માર્ગની તપાસ માટે CRS ટીમના સમયની રાહ જોવાઈ રહી છે. ટેસ્ટ થયાના 10 દિવસમાં સામાન્ય મુસાફરો માટે આ સેવા શરૂ કરવામાં આવશે. ટેસ્ટની સમગ્ર પ્રક્રિયા માર્ચના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.
રશિયા-યુક્રેન વોરના પગલે વૈશ્વિક અર્થતંત્ર ભીંસમાં, ક્રૂડ ઓઈલની કિંમત 9 વર્ષના સૌથી ઊંચા સ્તરે
આ મેટ્રો ટ્રેનમાં પણ આગ જેવી ઘટનાઓને થોડીવારમાં નિપટવા માટે દરેક સ્ટેશન પર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આગને કાબૂમાં લેવા માટે દરેક સ્ટેશનની નીચે 50 હજાર લિટરની પાણીની ટાંકી બનાવવામાં આવી છે. મેટ્રોના નવા રૂટ પર લોકો પોતાની સાઇકલ સાથે મુસાફરી કરી શકશે. સાથે જ મેટ્રો કોચમાં સાયકલ પાર્ક માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે સાયકલ સાથે મુસાફરી કરવા માટે મુસાફરોએ વધારાના પૈસા ખર્ચવા પડશે. MMRDA અનુસાર, મુસાફરો લિફ્ટ દ્વારા પ્લેટફોર્મ પર સાઇકલ લાવી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે અંધેરી પૂર્વથી દહિસર પૂર્વ વચ્ચે બાંધવામાં આવી રહેલા મેટ્રો 7ના પ્રથમ તબક્કાનું ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યું હતું. બુધવારે પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદે સાથે આરે, દિંડોશી અને કુરાર સ્ટેશનો વચ્ચે ટ્રાયલ રન લઈને કામનું નિરીક્ષણ કર્યું હતું.