ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑક્ટોબર, 2021
ગુરુવાર
પર્યાવરણની સુરક્ષા અને પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા મહારાષ્ટ્ર સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે નવી પૉલિસી જાહેર કરી હતી. વધુમાં વધુ લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળે જેથી સરકારે કરવેરામાં અનેક છૂટછાટો આપી છે. આગામી સમયમાં સરકારી તથા મુંબઈ મહાનગરપાલિકા પણ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાની છે, જેમાં પહેલા તબક્કામાં મુંબઈ મનપા માર્ચ 2022 અંત સુધીમાં 83 ઇલેક્ટ્રિક વાહનો લેવાની છે, તો પોતાના તથા મુંબઈગરા પોતાના ઈ-વાહનોને ચાર્જ કરી શકે એ માટે પાલિકા મુંબઈમાં 85 સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવાની છે.
પાલિકાના જણાવ્યા મુજબ 2025ની સાલ સુધીમાં 15 ટકા પબ્લિક ટ્રાન્સપૉર્ટેશન ઇલેક્ટ્રિક વાહનો આધારિત હશે, તો 2023 સુધીમાં 50 ટકા પબ્લિક ટ્રાન્સપૉર્ટેશન પણ ઇલેક્ટ્રિક વાહન આધારિત હશે. પાલિકાએ પણ પોતાના કાફલામાં રહેલાં વાહનોમાં 10 ટકા ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનો નિર્ણય લીધો છે. એ મુજબ પહેલા તબક્કામાં 83 વાહનો ખરીદશે. એ માટે પાલિકા 35 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.
શાળાઓ તો ખૂલી પણ વિદ્યાર્થીઓ ક્યાં? મુંબઈમાં આટલા લાખ વિદ્યાર્થીઓ ગાયબ ; જાણો વિગત
ભવિષ્યમાં આટલી મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિક વાહનોને કારણે ચાર્જિંગ સ્ટેશનની પણ આવશ્યકતા નિર્માણ થવાની છે. એથી મુંબઈમાં 85 સ્થળોએ ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવામાં આવવાનાં છે. આગામી 3થી 4 મહિનામાં પ્રાઇવેટ-પબ્લિક પાર્ટનરશિપ હેઠળ આ ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવામાં આવશે. એ ઉપરાંત બેસ્ટ ઉપક્રમ પણ 55 ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવાની છે, જ્યાં ફક્ત તેમનાં જ નહીં, પણ ખાનગી વાહનો પણ ચાર્જ કરી શકાશે.