ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
23 ઓક્ટોબર 2020
સાત મહિના બાદ સામાન્ય મહિલાઓ ને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેને કારણે મુસાફરોમાં અચાનક જ ઉછાળો આવ્યો છે. ગુરુવારે શહેરના રેલ્વે સ્ટેશનોમાં મહિલા મુસાફરોની સંખ્યા વધુ જોવા મળી હતી. સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલ્વેના જણાવ્યા અનુસાર ગુરુવારે એક જ દિવસમાં લગભગ 75,000 મહિલા મુસાફરોએ પ્રવાસ કર્યો. પશ્ચિમ રેલ્વેમાં 35000 અને મધ્ય રેલ્વે માં 40,000 એ મુસાફરી કરી હતી. નોંધનીય છે કે સેન્ટ્રલ રેલ્વે દૈનિક 706 લોકલ ટ્રેન દોડાવે છે, જ્યારે વેસ્ટર્ન રેલ્વે પર 704 લોકલ ટ્રેન દોડી રહી છે.
દિવા, નાલાસોપારા અને ડોમ્બિવલી રેલ્વે સ્ટેશન પર બુકિંગ કાઉન્ટરોમાં મહિલા મુસાફરોની લાંબી કતારો જોવા મળી હતી, કારણ કે ખૂબ મર્યાદિત સંખ્યામા વિન્ડો ખોલવામાં આવી હતી. ત્યાર બાદ લોકો ભીડની ફરિયાદ કરવા માટે સોશિયલ નેટવર્કિંગ પર પહોંચી ગયાં હતાં.
ઉલ્લેખનીય છે કે 17 મી ઓક્ટોબરથી રાજ્ય સરકાર દ્વારા મહિલા મુસાફરોને લોકલ ટ્રેનો દ્વારા મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. બુધવારે લગભગ 55,000 મહિલા મુસાફરોએ મુસાફરી કરી હતી. આ મહિલાઓને કર્મચારી આઇ-કાર્ડ અથવા ક્યૂઆર કોડ વિના સવારે 11 થી 3 અને સાંજે 7 વાગ્યાં પછી છૂટ આપવામાં આવી છે. ત્યારબાદ પ્રશાસન ઓડ ટાઈમે મુસાફરી કરતા લોકો જેમ કે હોટેલ કર્મચારીઓ, વકીલો ને પરવાનગી આપી શકે છે.