News Continuous Bureau | Mumbai
Mumbai Air : છેલ્લા બે-ત્રણ દિવસથી મુંબઈગરાઓ ધૂંધળી અને ધુમ્મસવાળી ( Smog ) સવારનો અનુભવ કરી રહ્યા છે. શુક્રવારે બપોર સુધી ધુમ્મસ હટ્યું ન હતું. મુંબઈ અને તેની આસપાસના જંગલ વિસ્તારોની નજીક રહેતા લોકો વરસાદ ઓછો થયો ત્યારથી સતત આનો અનુભવ કરી રહ્યા છે. મુંબઈની હવાની ગુણવત્તા ( air quality ) ક્યારેક દિલ્હીની ( Delhi ) હવાની ગુણવત્તાને ટક્કર આપે છે.
મુંબઈનું વાતાવરણ ધૂંધળું
જોકે મુંબઈનું વાતાવરણ ધૂંધળું હોવા છતાં શહેરની હવાની ગુણવત્તા સંતોષકારક હતી. બપોરના સમયે હવાની ગુણવત્તા સૂચકાંક 98 હતો. બોરીવલી, મલાડ, ભાંડુપ, વરલી, મઝગાંવમાં હવાની ગુણવત્તા મધ્યમ હતી જ્યારે અંધેરી, કોલાબામાં હવાની ગુણવત્તા સંતોષકારક હતી. જોકે, નવી મુંબઈમાં હવાની ગુણવત્તા ઘણી ખરાબ હતી. છેલ્લા કેટલાક દિવસોથી, મુંબઈના કેટલાક ભાગોમાં હવાની ગુણવત્તા મધ્યમથી ખરાબ હોવાનું નોંધાયું છે. શહેરમાં વાહનોને કારણે પેદા થતો ધૂમાડો, ઠેકઠેકાણે ચાલી રહેલાં બાંધકામના કામો, વિકાસકામો આ બધામાં પેદા થતી ધૂળ હવામાં ભળી જાય છે એટલે વાતાવરણ ધૂંધળું થઈ જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો આ ઝાકળ કે ધુમ્મસ નહીં પણ પ્રદુષણની ચાદર છે. આના કારણે શુક્રવારે ઘણા લોકોએ સવારે વોક કરવાનો પ્લાન કેન્સલ કરવો પડ્યો હતો.
વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક નથી
હાલ પૂર્વ દિશામાંથી પવનો આવી રહ્યા છે. આ પવનોની ગતિ ધીમી છે. તેમજ થોડા દિવસ પહેલા જ વરસાદે વિરામ લીધો હોવાથી હજુ પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ છે. વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક નથી. ઉપરાંત, કાઉન્ટર-સાયક્લોનિક સિસ્ટમની રચના અને હવામાં ભેજને કારણે, આ છૂટાછવાયા ધુમ્મસને મુંબઈવાસીઓ અનુભવે છે, એમ પ્રાદેશિક હવામાન વિભાગના અધિકારી સુષ્મા નાયરે જણાવ્યું. એકંદર હવાની ગુણવત્તા સંતોષકારક હોવાથી, તે સ્પષ્ટ છે કે હવામાં કોઈ પ્રદૂષકો નથી. ઉપરાંત, વધુ ધુમ્મસ માટે આપણે નવેમ્બરના અંત અથવા ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે.
આ સમાચાર પણ વાંચો : IND vs PAK : હાઈ વોલ્ટેજ મેચમાં પહેલા ફિલ્ડિંગ કરશે ભારત, ટીમમાં એક મોટો ફેરફાર, જુઓ પ્લેઇંગ XI..
‘સફર’ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હાલમાં આકાશ સ્વચ્છ છે. રાત્રિના તાપમાનમાં ઘટાડો થવાને કારણે પ્રદૂષકો અને ભેજ જમીનની સપાટીની હવાના સ્તરમાં એકઠા થાય છે. આ કારણે, કેટલીક જગ્યાએ, જમીનની નજીકના સ્તરમાં ઝાકળ અનુભવાય છે.
‘શ્વસનના દર્દીઓ ( patients ) માટે હાનિકારક’
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલું વાયુ પ્રદૂષણ ( Air pollution ) હેરાન કરી રહ્યું છે. નિષ્ણાતો દ્વારા સલાહ આપવામાં આવી છે કે શ્વસન સંબંધિત સમસ્યા અને અસ્થમાના દર્દીઓએ વધારે કાળજી લેવાની જરૂર છે. આ ઉપરાંત પ્રદૂષણને કારણે શ્વસન સંબંધિત સમસ્યા સતાવે તો તાત્કાલિક તબીબની સલાહ લેવાની તેમ જ શક્ય હોય તો માસ્ક પહેરવાની ભલામણ પણ કરવામાં આવી છે.