ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 ફેબ્રુઆરી 2021
મુંબઈ શહેરમાં ગુજરાતી મત વગર મુંબઈ મહાનગર પાલિકામાં સત્તા હાંસલ કરવી અસંભવ છે. મુંબઈ મહાનગર પાલિકામાં કુલ 227 સીટો છે. આમાંથી 70 જેટલી સીટો પર ગુજરાતી મતોનો સીધો પ્રભાવ છે. જ્યારે કે 40 સીટ એવી છે જેમાં જીત અને હાર ગુજરાતીઓ નક્કી કરે છે. આ પરિસ્થિતિમાં સંપૂર્ણ બહુમતી મેળવવા માટે ગુજરાતીઓની દાઢીમાં હાથ નાખ્યા વગર કામ ચાલે તેમ નથી. આ જ કારણ છે કે અત્યારે શિવસેના અને કોંગ્રેસ પાર્ટીએ પોતાના ગુજરાતી સેલને એક્ટિવેટ કર્યા છે.
જોકે કોંગ્રેસ પાર્ટીના શીર્ષસ્થ નેતા રાહુલ ગાંધીએ જે રીતનું વર્તન આસામમાં દેખાડ્યું છે તેને કારણે ભાજપને વગર મહેનતે સારો મોકો મળી ગયો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતીઓ ચહા ના બગીચા માંથી પૈસા કમાય છે અને સ્થાનિક લોકોને મજૂરી કરવી પડે છે. રાહુલ ગાંધીના આ વક્તવ્ય પર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આક્ષેપ લીધો હતો. બીજી તરફ મુંબઈ કોંગ્રેસે ગુજરાતી સેલમાં નવી નિમણૂક કરીને ગુજરાતીઓને આકર્ષિત કરવા માટે શિબિરનું આયોજન કર્યું છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ગુજરાતીઓ વચ્ચે કોંગ્રેસ પાર્ટી શું મોઢું લઈને જશે?
આવી જ ભૂલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ કરી છે. ગૃહમંત્રી અમીત શાહ જ્યારે સિંધુદુર્ગ ની મુલાકાતે આવ્યા અને ઉદ્ધવ ઠાકરેની ઝાટકણી કાઢી. ત્યારે અમિત શાહના સવાલોનાં તાર્કિક જવાબ આપવાના સ્થાને ઉદ્ધવ ઠાકરે આખો મામલો પ્રાંતવાદ ઉપર લઈ ગયા. પોતાના કાર્યકર્તાઓને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે ગુજરાત થી નેતાઓ આવીને મહારાષ્ટ્રને બદનામ કરે છે. આ સમગ્ર મામલે ભલે મુંબઇના ગુજરાતીઓ ચુપ બેઠા હોય. પરંતુ તેઓ સમજુ છે. તેમને ખબર છે કે કયા દાંત દેખાડવાના છે અને કયા દાંત ચાવવાના છે.
આજે સવાલ એ ઉભો થાય છે કે ગુજરાતીઓ કોની સાથે છે?
શિવસેના પાર્ટી ને ચૂંટણી વખતે ગુજરાતીઓની યાદ આવે છે. ત્યારબાદ પાર્ટીના નેતાઓ ગુજરાતીઓ સાથે બહુ ઘનિષ્ઠ વર્તન રાખતા નથી. ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં શિવસેના પાર્ટી એ કુલ ૧૪ ગુજરાતીઓને ટિકિટ આપી હતી. તેમાંથી માત્ર બે ગુજરાતી જીત્યા. આની સામે કોંગ્રેસ પાર્ટીએ 17 તેમ જ ભાજપે ૨૯ જેટલા ગુજરાતીઓને ટિકિટ આપી. આમાંના ઘણાખરા જીત્યા પણ ખરા.
આમ ચૂંટણી પહેલા ગુજરાતીઓ માટે કાર્યક્રમો કરીને ફોટા પડાવનાર નેતાઓ ચૂંટણી પતી ગયા પછી 'મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ' જેવું વર્તન દેખાડે છે. અને એટલે જ ગુજરાતીઓ પણ જવાબ આપે છે ' યે પબ્લિક હૈ, સબ જાનતી હૈ'..
સવાલ એ ઉભો થાય છે કે પચાસ હજાર કરોડનું બજેટ ધરાવતી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જો ગુજરાતી વોટ ની કદર હોય તો પછી ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધી બેજવાબદાર નિવેદન કેમ આપી રહ્યા છે?
 
			         
			         
                                                        
