ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,15 જાન્યુઆરી 2022
શનિવાર.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ઓમિક્રોન વેરિયન્ટના વધતા કેસોને લઈ સેલ્ફ ટેસ્ટિંગની માત્રા વધી ગઈ છે. અત્યાર સુધી મર્યાદિત લોકો આ ટેસ્ટિંગની માહિતી મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ને આપી રહ્યાં હતા. લોકોને હવે સેલ્ફ ટેસ્ટિંગની જાનકારી છુપાવવી મુશ્કેલ બનશે, કારણ કે,રેપિડ એન્ટિજન ટેસ્ટ અને હોમ ટેસ્ટને લઈ બીએમસીએ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેને લઈ બીએમસીએ રેપિડ એંન્ટીજન ટેસ્ટ અને હોમ ટેસ્ટ કિટ બનાવનાર વેચનાર મેડિકલ સ્ટોર, ડેસ્પેન્સરી અને કેમિસ્ટ દરેકની જવાબદારી નક્કી કરી દેવામાં આવી છે.
નવી માર્ગદર્શિકા મુજબ આ તમામ લોકોએ રોજ સાંજે 6 વાગ્યે સુધી ઈ-મેલ દ્વારા બીએમસી અને એફડીએને માહિતી આપવી પડશે. જે બાદ બીએમસી તમામ જાણકારી આઈસીએમઆરની વેબસાઈટ પર અપલોડ કરશે. બીએમસીની સ્પેશિયલ ટીમ ડેટા પર નજર રાખશે. મેડિકલ હેલ્થ ઓફિસરની ટીમ નિયમને તોડનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની જવાબદારી દેવામાં આવી છે. એફડીએ કમિશનર જેના આધાર પર ડિસ્ટ્રિબ્યુશન અને મુંબઈના તમામ મેડિકલ સ્ટોર, કેમિસ્ટો અને ડેસ્પેન્સરી પર મોનીટરીંગ કરશે. તમામ કેમિસ્ટ કીટ ખરીદનારને બિલ આપશે અને રેકોર્ડ મેન્ટેન કરશે.
ઉલ્લેખનીય છે કે લોકો ઘરે જાતે જ ટેસ્ટ કરી લે છે અને પોઝીટીવ આવે ત્યારે માહિતી છુપાવે છે. માહિતી અનુસાર, ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં લગભગ 96 હજાર લોકો હોમ ટેસ્ટિંગ કીટ દ્વારા પોઝિટિવ મળી આવ્યા છે. ત્રીજી લહેરથી, લાખો લોકોએ આ કીટ ખરીદી છે.