ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 જુલાઈ, 2021
શુક્રવાર
મુંબઈમાં સતત બે અઠવાડિયાં પડેલા મુશળધાર વરસાદને કારણે મુંબઈના રસ્તાઓ પર અસંખ્ય ખાડા પડી ગયા છે. વાહનચાલકોને વાહન ચલાવવામાં અને રાહદારીઓને રસ્તા પર ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. એથી રસ્તા પરના ખાડા તાત્કાલિક ધોરણે નહીં ભર્યા તો આંદોલન કરવાની ચીમકી મુંબઈ કૉન્ગ્રેસે પાલિકા પ્રશાસનને આપી છે.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવવાની સાથે તમામ રાજકીય પાર્ટીઓ ઍક્ટિવ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીમાં શિવસેના સાથે સંયુક્ત સરકાર ચલાવનારી કૉન્ગ્રેસ જોકે મુંબઈ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષમાં બેઠી છે. પાલિકાની ચૂંટણી નજીક આવવાથી કૉન્ગ્રેસ પણ મુંબઈની સ્થાનિક સમસ્યાઓને લઈને આક્રમક થઈ ગયેલી જણાઈ રહી છે. એ મુજબ કૉન્ગ્રેસે રસ્તા પરના ખાડાને લઈને ઍક્શન મોડમાં આવી ગઈ છે.
ફિલ્મમાં કામ આપવાને બહાને મહિલાનું શારીરિક શોષણ કરનારાઓની થાણેમાં મનસેએ કરી ધોલધપાટ; જાણો વિગત
મુંબઈ કૉન્ગ્રેસના પ્રમુખ ભાઈ જગતાપે પાલિકા પ્રશાસનની ટીકા કરતાં કહ્યું હતું કે વર્ષે કરોડો રૂપિયાનો પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરનારી પાલિકા મુંબઈગરાને સારા રસ્તા પણ આપી શકતી નથી. ભારે વરસાદને કારણે રસ્તા પર મોટા પ્રમાણમાં ખાડા થઈ ગયા છે. છતાં એ ખાડાઓને સમથળ કરવાનો પાલિકા પાસે સમય નથી. પાલિકાએ તાત્કાલિક ધોરણે રસ્તા પરના ખાડા દૂર ન કર્યા તો કૉન્ગ્રેસને રસ્તા પર ઊતરીને આંદોલન કરવું પડશે એવી ચીમકી પણ તેમણે આપી હતી.