News Continuous Bureau | Mumbai
મુંબઈ ક્રિકેટ એસોસિયેશન કરોડો રૂપિયાની આવક રળે છે, છતાં તેણે મુંબઈ પોલીસના જ કરોડો રૂપિયા ચૂકવ્યા ન હોવાનું રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ જણાવ્યું હતું. તેમણે મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેને પત્ર લખીને બાકી રહેલી રકમ વસૂલ્યા બાદ જ મેચ માટે સુરક્ષા પૂરી પાડવાની માગણી કરી છે.
આરટીઆઈ એક્ટિવિસ્ટ અનિલ ગલગલીના કહેવા મુજબ ક્રિકેટ મેચ દરમિયાન સુરક્ષા પૂરી પાડવા બાદ મુંબઈ પોલીસને રકમ ચુકવવાની હોય છે. અત્યાર સુધી મુંબઈ પોલીસે 35થી વધુ રિમાઈન્ડર મોકલ્યા છે, છતાં મુંબઈ ક્રિકેટ અસોસિયેશને મુંબઈ પોલીસને 14.82 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી.
મુંબઈ પોલીસે છેલ્લા આઠ વર્ષમાં જુદી જુદી મેચ બાબતે માહિતી આપી છે, તે મુજબ 2013માં મહિલા વર્લ્ડ ક્રિકેટ કપ, 2016માં વર્લ્ડ કપ ટી-20, વર્ષ 2016માં ટેસ્ટ મેચ, 2017 અને 2018માં આઈપીએલ અને વનડે મેચના 14 કરોડ 82 લાખ 74 હજાર 177 રૂપિયા મુંબઈ ક્રિકેટ અસોસિયેશને મુંબઈ પોલીસને સુરક્ષા પૂરી પાડવા બદલ ચૂકવવાના છે. જોકે છેલ્લા 8 વર્ષમાં મુંબઈ ક્રિકેટ અસોસિયેશને ફક્ત 2018ની આઈપીએલ ક્રિકેટ મેચની 1.40 કરોડ રૂપિયાની ફી જ ચૂકવી છે.
મુંબઈ પોલીસના કહેવા મુજબ તેઓએ મુંબઈ ક્રિકેટ અસોસિયેશનને 35 વખત રિમાઈન્ડર મોકલ્યા છે અને બાકી રહેલી રકમ પર 9.5 ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા માટે કહ્યું છે.
અનિલ ગલગલીના કહેવા મુજબ પહેલી એપ્રિલ 2019થી 31 માર્ચ 2020 સુધી થયેલી ક્રિકેટ મેચ માટે સુરક્ષા પૂરી પાડવા માટેની ફી હજી સુધી લીધી નથી, કારણ કે સરકારે હજી સુધી આદેશ બહાર પાડ્યો નથી. તે માટે મુંબઈ પોલીસે ગૃહ વિભાગને 9 વખત પત્ર લખ્યો છે પણ તેમને ગૃહ ખાતા પાસેથી જવાબ જ મળ્યો નથી.