News Continuous Bureau | Mumbai
Mumbai crime : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગુંડાઓ અને બદમાશો ના મનમાંથી પોલીસનો ડર ખતમ થતો જોવા મળી રહ્યો છે. ગત ગુરુવારે રાત્રે એક 60 વર્ષના વૃદ્ધને કેટલાક ગુંડાઓએ નિર્દયતાથી માર માર્યો હતો. આ પીડિત વૃદ્ધ ની ભૂલ એ હતી કે તેમણે બે લોકો વચ્ચેની લડાઈને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ રસ્તામાં બે લોકો વચ્ચેની લડાઈમાં દરમિયાનગીરી કરવી તેમને ભારે પડી. આ ઘટના મુંબઈ શહેરના વિલે પાર્લે વેસ્ટ વિસ્તારમાં બની હતી.
બે લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી
વાસ્તવમાં થયું એવું કે, મુંબઈના વિલે પાર્લે વેસ્ટમાં કસ્તુરી બિલ્ડિંગમાં રહેતા 60 વર્ષીય હિમાંશુ શાહ રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે તેમની બિલ્ડિંગની બહાર બે લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી હતી. તેમાંથી એક કાર ચાલક હતો અને બીજો બાઈક ચાલક. હિમાંશુ શાહ એ બંને વચ્ચેનો વિવાદ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બાઇક ચાલક ગુસ્સામાં આવી ગયો અને હિમાંશુ શાહ સાથે ગેરવર્તન કરવા લાગ્યો હતો.
100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી
દરમિયાન મામલો વણસતો જોઈ હિમાંશુ શાહે 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. જેના કારણે બાઇક સવાર વધુ આક્રમક થઇ ગયો હતો. પોલીસ આવે તે પહેલા તેણે તેના 7 થી 8 મિત્રોને બોલાવ્યા, ત્યારબાદ બધાએ મળીને હિમાંશુ શાહ ને લાકડીઓ અને પથ્થરોથી માર માર્યો, જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી. હાલ જુહુ પોલીસે આ મામલે કેસ નોંધીને 6 ગુંડાઓની ધરપકડ કરી લીધી છે.
આ સમાચાર પણ વાંચો : Uddhav Thackeray House: મુંબઈમાં ઉદ્ઘવ ઠાકરેના ઘર પર મોટો હુમલો કરવાની યોજના.. પોલીસને અજાણ્યા શખ્સે ફોન કરી આપી આ માહિતી.. પોલિસ એલર્ટ મોડમાં..
બે મુખ્ય આરોપી ફરાર
જોકે બે મુખ્ય આરોપી ( કાર ચાલક અને બાઈક ચાલક) હજુ ફરાર છે. પોલીસ તેમને શોધવામાં વ્યસ્ત છે. આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે મુંબઈ જેવા આધુનિક શહેરમાં બદમાશોને પોલીસનો કોઈ ડર નથી. જેઓ નજીવી બાબતો પર કોઈને પણ માર મારીને ફરાર થઇ જાય છે, પછી તે બાળક હોય, વૃદ્ધ હોય કે યુવા હોય.