News Continuous Bureau | Mumbai
Mumbai Theft Case મુંબઈના પોશ ગણાતા જુહુવિસ્તારમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક 76 વર્ષીય વરિષ્ઠ નાગરિક જ્યારે પરિવાર સાથે ગુજરાતના પ્રવાસે ગયા હતા, ત્યારે તેમના બંધ ફ્લેટને નિશાન બનાવી ₹5.30 લાખની મત્તાની ચોરી કરવામાં આવી હતી. આ કેસમાં સૌથી આઘાતજનક બાબત એ છે કે, જે સોસાયટીમાં વરિષ્ઠ નાગરિક રહે છે, ત્યાં જ સફાઈ કામ કરતા હાઉસકીપિંગ સ્ટાફના બે સભ્યોએ જ આ ચોરીને અંજામ આપ્યો હતો. જ્યારે પીડિતનો પૌત્ર ઘરે પાછો આવ્યો ત્યારે તેને ઘરનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો, જેનાથી ચોરીનો ખુલાસો થયો હતો. આરોપીઓએ ઘરની બારીની ગ્રીલકાપીને અંદર પ્રવેશ કર્યો હતો અને કબાટમાં રાખેલા હીરાના ઘરેણાં તથા રોકડ રકમ પર હાથ સાફ કર્યો હતો. જુહુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા સોસાયટીના CCTV ફૂટેજ તપાસ્યા હતા અને શંકાસ્પદ હલચલના આધારે તપાસ તેજ કરી હતી.
સોસાયટીના કર્મચારીઓએ જ રચી ચોરીની યોજના
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હાઉસકીપિંગના કર્મચારીઓને જાણ હતી કે ફ્લેટ માલિક લાંબી રજા પર ગયા છે. આરોપીઓએ આખું પ્લાનિંગ કરીને ચોરી કરી હતી, જેમાં એક આરોપી ઘરની બહાર પહેરો ભરી રહ્યો હતો અને બીજો અંદર ઘૂસ્યો હતો. ધરપકડ કરવામાં આવેલા બે આરોપીઓ પૈકી એક રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ પણ ચોરીના ત્રણ કેસ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
પત્નીની સારવારના બહાને ચોરી કરી હોવાની કબૂલાત
ધરપકડ બાદ પૂછપરછ દરમિયાન એક આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તેની પત્નીની મેડિકલ સારવાર માટે પૈસાની તાતી જરૂર હોવાથી તેણે આ ગુનો આચર્યો હતો. જોકે, પોલીસ આ દાવાની સત્યતા તપાસી રહી છે. આરોપીઓ પાસેથી હાલ ₹1.35 લાખ રોકડ અને હીરાના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કરવાની પ્રક્રિયા (Recovery Process) હાથ ધરવામાં આવી છે.