News Continuous Bureau | Mumbai
Mumbai Cyber Crime મુંબઈ: આર્થિક રાજધાનીમાં નોકરીની લાલચ આપીને ભણેલા-ગણેલા લોકોને શિકાર બનાવતી ગેંગ ફરી સક્રિય થઈ છે. મુલુંડની એક ૪૩ વર્ષીય મહિલાને ‘બેંક ઓફ અમેરિકા’ જેવી પ્રતિષ્ઠિત બેંકમાં નોકરી અપાવવાના બહાને સાયબર ઠગબાજોએ ₹૧૧.૨૮ લાખથી વધુની રકમ પડાવી લીધી છે. સાયબર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહિલાએ એક જાણીતા જોબ પોર્ટલ પર નોકરી માટે અરજી કરી હતી, જ્યાંથી તેની વિગતો મેળવી ઠગબાજોએ સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં રજિસ્ટ્રેશન ફી તરીકે માત્ર ₹૫,૮૫૦ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ એક વ્યક્તિ એ નલાઇન ઇન્ટરવ્યુ લેવાનું નાટક રચ્યું હતું અને મહિલાને પસંદગી પામી હોવાનું જણાવી નકલી એપોઇન્ટમેન્ટ લેટર પણ મોકલી આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Mumbai Police: મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી: ગેંગસ્ટર રવિ પૂજારીની ૧૦ વર્ષ જૂના ખંડણી કેસમાં ધરપકડ
નોકરી પાકી થઈ ગઈ હોવાના વિશ્વાસમાં આવેલી મહિલા પાસે ઠગબાજોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, પ્રોસેસિંગ ફી અને અન્ય વહીવટી ખર્ચના નામે ટુકડે-ટુકડે પૈસા મંગાવવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ એવી ખાતરી આપી હતી કે નોકરીમાં જોડાવાના પ્રથમ દિવસે જ આ તમામ રકમ મહિલાને રિફંડ (પરત) મળી જશે. ટુકડે ટુકડે મહિલાએ કુલ ₹૧૧,૨૮,૬૬૧ ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા.
જ્યારે મહિલાએ વધુ પૈસા આપવાની ના પાડી અને રિફંડની માંગણી કરી, ત્યારે આરોપીઓએ તેમના ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા. છેતરપિંડી થઈ હોવાનું સમજાતા જ મહિલાએ સાયબર પોલીસનો સંપર્ક કર્યો હતો. સાયબર પોલીસે આઈટી એક્ટ (IT Act) હેઠળ ગુનો નોંધી જે બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર થયા છે તેની વિગતો એકત્રિત કરી ઠગબાજોનું લોકેશન ટ્રેસ કરવાની તજવીજ હાથ ધરી છે.