News Continuous Bureau | Mumbai
Mumbai Cyber Cell Arrest। મુંબઈ પોલીસના વેસ્ટ રીજનલ ડિવિઝનની સાયબર સેલે એક મોટી સફળતા મેળવીને શેરબજારમાં રોકાણ (શેર ટ્રેડિંગ) ના નામે વિદેશી બેંકના એક ઉચ્ચ અધિકારી સાથે ૬૮ લાખથી વધુની છેતરપિંડી કરનારા બે સાયબર ગુનેગારોની ધરપકડ કરી છે. સાયબર માફિયાઓએ પીડિત અધિકારીને ટૂંકા સમયમાં મોટો નફો કમાવવાની લાલચ આપીને આ કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો.
પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી, કમિશન મેળવી પૂરા પાડતા હતા બેંક ખાતા
વેસ્ટ સાયબર સેલના અધિકારીઓએ ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરીને બે આરોપીઓની ધરપકડ કરી છે અને હાલ બંને પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ બંને આરોપીઓ મુખ્ય સાયબર ઠગોના કહેવા પર બોગસ (નકલી) કંપનીઓના નામે અલગ-અલગ બેંકોમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવતા હતા. ત્યારબાદ આ બેંક ખાતાઓ તેઓ મુખ્ય સાયબર માફિયાઓને ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરવા માટે સપ્લાય કરતા હતા. આ કેસમાં આરોપીઓના એક ખાતામાં ૧૬ લાખ અને બીજા ખાતામાં ૧.૪૩ લાખ ટ્રાન્સફર થયા હતા, જેના બદલામાં આ બંનેને ૨ લાખનું મોટું કમિશન મળ્યું હતું.
ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અને ‘VIP 13 Stock’ વોટ્સએપ ગ્રુપ દ્વારા જાળ બિછાવી, ખોટો પોર્ટફોલિયો બતાવી વિશ્વાસ જીત્યો
આ આખી ઘટનાની વિગત એવી છે કે, સાન્તાક્રુઝ વિસ્તારમાં રહેતા અને એક વિદેશી બેંકમાં નોકરી કરતા પીડિત અધિકારીએ ઇન્સ્ટાગ્રામ પર શેરબજારમાં રોકાણ કરીને મોટો નફો મેળવવાની એક જાહેરાત જોઈ હતી. તે પોસ્ટમાં આપેલી લિંક પર ક્લિક કરતા જ તેઓ “VIP 13 Stock” નામના એક વોટ્સએપ ગ્રુપમાં એડ થઈ ગયા હતા. આ ગ્રુપમાં રોજ શેરબજારની ટીપ્સ અને રોકાણની સલાહ આપવામાં આવતી હતી, તેમજ ગ્રુપના અન્ય નકલી સભ્યો પોતાના મોટા નફાના સ્ક્રીનશોટ શેર કરતા હતા, જેથી બેંક અધિકારીને આ સ્કીમ સાચી હોવાનો વિશ્વાસ બેસી ગયો હતો.
મુખ્ય સૂત્રધારને પકડવા ચક્રો ગતિમાન, પીડિતે સાયબર હેલ્પલાઇન અને પોલીસનો સંપર્ક કરતા એક્શન
થોડા દિવસો પછી, ગ્રુપના મુખ્ય એડમિને બેંક અધિકારીનો સંપર્ક કર્યો અને શરૂઆતમાં નાની રકમનું રોકાણ કરાવી વળતર સીધું તેમના ખાતામાં જમા કરાવ્યું, જેથી અધિકારીનો ભરોસો વધુ દ્રઢ બન્યો હતો. ત્યારબાદ તેના કહેવા પર પીડિતે જુદા-જુદા શેરોમાં કુલ ૬૮ લાખનું મોટું રોકાણ કરી દીધું. ઓનલાઈન પોર્ટફોલિયોમાં મોટો પ્રોફિટ દેખાતો હતો, પરંતુ જ્યારે અધિકારીએ પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે લિંક બ્લોક થઈ ગઈ અને સામેવાળા શખ્સે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. છેતરાયાનો અહેસાસ થતાં જ અધિકારીએ સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધી ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આઈટી એક્ટ હેઠળ એફઆઈઆર દાખલ કરાવી હતી. પોલીસ હાલ આ કૌભાંડના મુખ્ય સૂત્રધારને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
👉 આ સમાચાર વાચો:
Yellow Kalawa Benefits। ચમત્કારી છે આ પીળો દોરો! હાથમાં બાંધતા જ ખૂલી જશે કિસ્મતના તાળા, બસ જાણી લો ધારણ કરવાની સાચી રીત