ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
અત્યાર સુધી મુંબઈમા 60,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરી ચૂકેલા “ગ્રીન મેન” તરીકે ઓળખતા શુભાજિત મુર્ખજીને પ્રતિષ્ઠિત કહેવાતા મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી હસ્તે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમની સાથે જ પદ્મશ્રી એવોર્ડ વિજેતા તુલસી ગોવડાજીને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
હાર્મની ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણનું સંવર્ધન કરવા સતત પ્રયત્નશીલ રહેલા લોકોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. અત્ચાર સુધી દલાઈ લામા અને પાકિસ્તાનમાં મહિલાઓના શિક્ષણ માટે કામ કરનારી મલાયલાને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
13 ડિસેમ્બરના મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશિયારીને હસ્તે રાજભવનમાં આ એવોર્ડ સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં ગ્રામીણ વિસ્તારોમાં ઝાડનું સંવર્ધન કરવા જીવન ઝોકી નાખનારા પદ્મશ્રી તુલસી ગોવડાની સાથે પર્યાવરણ નિષ્ણાત મુંબઈના શુભાજિત મુર્ખજી અને 17વર્ષની યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ આદયા જોશીને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આદયા આ પહેલા ચિર્લ્ડન ક્લાઈમેટ પ્રાઈઝ 2020 પણ મેળવી ચૂકી છે અને તે રાઈટ ગ્રીન ઇનિસિયેટિવ નામની સંસ્થાની ફાઉન્ડર પણ છે. જે બાળકોને શિક્ષણ પ્રત્યે કામ કરે છે. મધર ટેરેસા નામ પર વિશ્વનો એક માત્ર એવોર્ડ હોવાનું કહેવાય છે.
શુભોજિત મુર્ખજીના નામે અત્યાર સુધી મુંબઈમાં 60,000થી વધુ ઝાડ ઉગાડવાનો રેકોર્ડ બોલાય છે. એચઆરમાં સારી એવી કારકીર્દી ધરાવતા શુભોજિત પર્યાવરણ પ્રત્યે તેમના પ્રેમને જોઈને ફૂલ ટાઈમ પોતાનું ધ્યાન પર્યાવરણના સંવર્ધન પાછળ આપવાનું નક્કી કર્યું હતું. તેઓ મુંબઈના “ગ્રીન મેન”ની સાથે જ “જલ રક્ષક” તરીકે પણ ઓળખાય છે. શુભાજિત રેન વોટર હાર્વેસ્ટિંગ એટલે વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેના ઉપયોગ કરવા માટે પણ સતત પ્રયત્ન કરી રહ્યા છે. મુંબઈ મહાનગરપાલિકા સાથે મળીને તેમણે અનેક પ્રોજેક્ટ હાથ ધર્યા છે.
પોતાને મળેલા એવોર્ડ બાબતે શુભાજિત મુર્ખજીએ ન્યુઝકન્ટીન્યુઝને જણાવ્યું હતું કે પદ્મશ્રી તુલસી ગોવડાજીની સાથે આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો તે મારી માટે સન્માનની વાત છે. માણસ દીઠ એક ઝાડ એવું મારું માનવું છે. તેથી પર્યાવરણના સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહેવાનો પ્રયાસ કરુ છે. પૃથ્વીને બચાવવા માટે વૃક્ષોનું વાવેતર જરૂર છે. ઝાડ રહેશે તો પૃથ્વીનું અસ્તિત્વ રહેશે.