Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ

મુંબઈ ગુજરાતી સંગઠન છેલ્લા આઠ વર્ષથી મહારાષ્ટ્રની ગુજરાતી માધ્યમની શાળાઓમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓનું, ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં ૮૫ કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું તેમજ ૧૦૦% પરિણામ લાવનાર શાળાઓનું સન્માન કરવાં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરે છે.

by Dr. Mayur Parikh
Mumbai Gujarati Sangathan celebrates Saraswati Awards 2025

News Continuous Bureau | Mumbai 

મુંબઈ ગુજરાતી સંગઠન છેલ્લા આઠ વર્ષથી મહારાષ્ટ્રની ગુજરાતી માધ્યમની શાળાઓમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓનું, ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં ૮૫ કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું તેમજ ૧૦૦% પરિણામ લાવનાર શાળાઓનું સન્માન કરવાં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરે છે. આ સાથે સંગઠને આ વર્ષે ઉત્તમ બાળમંદિર અને ઉત્તમ શાળાનું બિરુદ આ કાર્યક્રમમાં આપેલ હતું તેમજ MGT (મુંબઈ ગુજરાતી સંગઠન ગોટ ટેલેન્ટ) નાં પારિતોષિક પણ આપવામાં આવ્યાં હતાં.

દર વખતે મુંબઈ ગુજરાતી સંગઠન સરસ્વતી સન્માન સમારોહ અલગ-અલગ થીમ સાથે કરે છે. જેમાં ગુજરાતી વારસો, સંસ્કૃતિ, ગરબા, આઝાદીના ૭૫ વર્ષ વગેરેનો સમાવેશ થાય છે.  તેવી જ રીતે આ વર્ષે ‘માતૃભાષામાં ભણતરનું મહત્વ’ સમજાવતી થીમ પર સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સ્ટેજ તેમજ પરિસરની સજાવટ માતૃભાષામાં ભણતરનું મહત્વ તેમજ ફાયદા સમજાવતા વિવિધ બેનરોથી કરવામાં આવી હતી તેમજ પ્રવેશદ્વાર પાસે સુંદર મજાની રંગોળી કરવામાં આવી હતી.

આ વર્ષે પણ ખૂબ જ સુંદર અને આગવી રીતે સરસ્વતી સન્માન સમારોહનું ૩૦મી ઑગસ્ટ ૨૦૨૫, શનિવારના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઘાટકોપરની એસ.પી.આર. જૈન કન્યાશાળા ટ્રસ્ટનાં સૌજન્યથી ભૂરીબેન ગોળવાળા ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત પહેલાં આધુનિક તંત્રજ્ઞાનની (સ્કેન) મદદથી આવેલ અતિથીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.આપણી માતૃભાષાના વિદ્યાર્થીઓ તંત્રજ્ઞાનમાં પણ આગળ છે એની પ્રતીતિ થઈ હતી. ત્યારબાદ આપણી સંસ્કૃતિને યાદ કરતાં આવનાર દરેક અતિથીઓનું કુમકુમ-અક્ષતથી ચાંલ્લો કરીને, લાડુ ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નાસિક, પુના, સાંગલી, દહાણુ તેમજ મુંબઈની અલગ-અલગ શાળા-સંસ્થાનાં પદાધિકારીઓ, આચાર્યો, શિક્ષકો, સંચાલકો તેમજ વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતાએ આવીને સમારોહની શોભા વધારી હતી.

આ કાર્યક્રમની શુભ શરૂઆત બરાબર ૨.૩૦ કલાકે કરી દેવામાં આવી હતી. સૌપ્રથમ માતા સરસ્વતીને યાદ કરતા, બોર્ડમાં પહેલાં ૩ ક્રમાંક લાવનાર પાંચ વિદ્યાર્થિનીઓ અને સંગઠન દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.  ત્યારબાદ એસ.પી.આર. જૈન કન્યાશાળાની બાળાઓ કે જેમને ૭૦૦ જેટલાં ભગવદ્ ગીતાનાં શ્લોકો કંઠસ્થ છે તેમનાં દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.

માતા સરસ્વતીના આશીર્વાદ લઈને ઈનામોનો ફુવારો વરસાવ્યો, કે જેમાં MGT (મુંબઈ ગુજરાતી સંગઠન ગોટ ટેલેન્ટ) નાં કુલ ૧૦૪ માંથી ૮૬ પ્રોત્સાહન વિજેતાઓનું રોકડ ઈનામ, સ્મૃતિચિહ્ન તેમજ પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આમ કુલ ૧૮૦૦૦ રૂપિયાના પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યાં હતાં.

પછી અંગ્રેજી વિષયમાં (૨૫ વિદ્યાર્થીઓ), ગુજરાતી વિષયમાં (૩૯ વિદ્યાર્થીઓ)તેમજ બંને વિષયમાં (૩૮ વિદ્યાર્થીઓ) ૮૫ અથવા ૮૫ કરતાં વધુ ગુણ મેળવનાર કુલ ૧૪૦ વિદ્યાર્થીઓને ૫૦૦ રૂપિયાના રોકડ પુરસ્કાર સાથે પ્રમાણપત્ર પાઠવી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમ જ બારમાં ધોરણમાં ગુજરાતી વિષયમાં વધુ ગુણ મેળવનાર ૨ વિદ્યાર્થિનીઓનું ૫૦૦ રૂપિયાનું રોકડ ઈનામ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. અહીં પણ આધુનિક તંત્રજ્ઞાનની મદદથી પ્રમાણપત્ર ડિજિટલ સ્ક્રીન પર પણ દેખાડવામાં આવ્યાં હતાં. આમ ૭૧,૦૦૦ નાં રોકડ ઈનામ આપવામાં આવ્યાં હતાં.

મુંબઈ ગુજરાતી સંગઠન છેલ્લાં ૧૬ વર્ષથી માતૃભાષાની શાળાઓ માટે અવિરતપણે કાર્યરત છે આ વાતથી અવગત કરાવવા માટે મીરા ચાવડા, પાર્થ લખાણી તેમજ ભાવેશભાઈ મહેતા દ્વારા મુંબઈ ગુજરાતી સંગઠનના ધ્યેય અને કાર્યો સમજાવવામાં આવ્યા હતાં તેમજ દરેકને પોતાની શાળાને ફરીથી ધમધમતી કરવા પોતાની જવાબદારી નિભાવવા આગળ આવે જેમાં મુંબઈ ગુજરાતી સંગઠન પૂરો સહયોગ આપશે એવી મક્કમ બાહેંધરી પણ આપવામાં આવી.

સંગઠન છેલ્લા ત્રણ વર્ષથી મહારાષ્ટ્રની માતૃભાષા ગુજરાતીની ઉત્તમ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાની જાહેરાત કરે છે. એની જેમ આ વર્ષથી  ‘માતૃભાષાનું ઉત્તમ બાળમંદિર’ નાં એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે ઉત્તમ બાળમંદિરનો એવોર્ડ ૨ બાળમંદિરોને આપવામાં આવ્યો હતો. જેમાં ૧) ઘાટકોપર પશ્ચિમનું ડૉ. વ્રજલાલ ધરમચંદ મેઘાણી બાળમંદિર અને ૨) નાસિકનું નિરંજન ખેતાણી બાળમંદિરનો સમાવેશ થાય છે. બાળમંદિરને ૧૧,૦૦૦ રૂપિયાનો રોકડ પુરસ્કાર તેમજ સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ એવોર્ડ લેવા આવનાર નાસિકના શિક્ષકો, ભૂતપૂર્વ વિધાર્થીઓ તેમજ મહેમાનશ્રી મીનાબેન અને અભય ભાઈ ખેતાણી જેઓ આ બંને બાળમંદિર સાથે જોડાયેલા છે એમનો સંગઠને છેલ્લા ત્રણ વર્ષથી સભાગૃહ માતૃભાષાનાં કાર્યોમાં આપવા માટે આભાર માન્યો હતો. એસ પી આર જૈન કન્યા શાળા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી ભાવેશભાઈ વોરા અને પિયુષભાઈ અવલાણી, આચાર્ય નંદાબેન ઠક્કર તેમજ સર્વે શિક્ષકો હાજર રહ્યાં હતાં. સંગઠને જે લોકો પોતાના વિસ્તારમાં અંગ્રેજી માધ્યમમાં વટલાવવાની પ્રવૃત્તિ અટકાવવાં માતૃભાષાના બાળમંદિર શરૂ કરશે એમને પૂરો સહયોગ આપવામાં આવશે એવી જાહેરાત પણ કરવામાં આવી.  પછી મહારાષ્ટ્રની માતૃભાષાની ઉત્તમ પ્રાથમિક શાળાનો એવોર્ડ પૂનાની શેઠ હકમચંદ ઈશ્વરદાસ ગુજરાતી પ્રાથમિક શાળાને અને મહારાષ્ટ્રની માતૃભાષાની ઉત્તમ માધ્યમિક શાળાનો એવોર્ડ પૂનાની રતનબેન ચુનીલાલ મહેતા ગુજરાતી હાઈસ્કૂલને એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ પૂનાની શાળાનાં ઉર્મિલાબેન પટેલ, સોનલબેન બારોટ, સલોટબેન, ઉન્નતિબેન, સ્મિતાબેન રાવલે સ્વીકાર્યો હતો. સતત ૩ વર્ષથી મહારાષ્ટ્રની માતૃભાષા ગુજરાતીની ઉત્તમ શાળાનો એવોર્ડ શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાને આપવામાં આવ્યો હતો જે ઉત્તમ હતી, છે અને ભવિષ્યમાં પણ રહેશે, સતત ઉત્તમ કામગીરી કરવા બદલ શાળાના આચાર્યો અને શિક્ષકો કાયમના વિજેતા છે માટે બીજાઓને પણ પ્રોત્સાહન મળે એવી આશા સાથે અભિનંદન આપવામાં આવ્યાં હતાં.

ત્યારબાદ MGT નાં બાકીનાં ૧૮ ઈનામો આપ્યા હતાં અને પસંદગી પામેલ કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી જેનાં અંતર્ગત મન દેરાસરી અને ગીતાબેન ગઢવી દ્વારા સરસ મજાના ગીતોની રમઝટ બોલાવામાં આવી હતી અને ગીતોના તાલે સૌ ઉપસ્થિત લોકોએ ગરબા રમ્યાં હતાં. અને ત્રીજું ઈનામ ૭૦૦૦ નું રોકડ (દરેકને ૩૫૦૦) અને ટ્રોફી આપવામાં આવ્યું હતું.  તેનાં પછી ઘાટકોપર પશ્ચિમનાં ડૉ. વ્રજલાલ ધરમચંદ મેઘાણી બાળમંદિરની આબિદા અબ્દુલ મુસ્તફા શાહ એ શાળાનું પાત્ર બની એકોક્તિ રજૂ કરી હતી તેણીએ પોતાના શબ્દોથી સૌના રૂંવાટા ઊભા કરી દીધાં હતાં. તેને પાંચમુ ઈનામ ૩૦૦૦ રોકડ અને ટ્રોફી આપવામાં આવી હતી. ત્યારબાદ અંધેરીની શ્રીમતિ ગોકળીબાઈ પૂનમચંદ પીતાંબર હાઈસ્કૂલનાં ધ્રુવ બેતાડિયા એ ગિટાર પર ગીતો ગાઈને સૌને મોહિત કરી દીધાં હતાં. તેને ચોથું ઈનામ ૫૦૦૦ રોકડ અને ટ્રોફી આપવામાં આવી હતી. પછી એસ.પી.આર. જૈન કન્યાશાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા અદ્ભૂત એરિયલ એક્ટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થિનીઓએ સાહસિક રીતે શૌર્યતા દાખવી અલગ-અલગ  દૃશ્યો બતાવ્યાં હતાં. તેમાંથી ઉત્તમ પ્રદર્શન કરનાર ૩ વિદ્યાર્થિનીઓ ક્રિષ્ના પટેલ, દીપિકા પરમાર અને સુપ્રિયા વર્માને બીજું ઈનામ ૯૦૦૦ રોકડ (દરેકને ૩૦૦૦) અને ટ્રોફી આપવામાં આવી હતી. પછી એસ.પી.આર. જૈન કન્યાશાળાની વિદ્યાર્થિનીઓએ શ્રીમદ ભાગવત ગીતાના શ્લોક પર અંતાક્ષરી રમીને દેખાડી હતી અને એમાંથી જ એક સિદ્ધિ કેશવપ્રસાદ તિવારીએ સંસ્કૃત, હિંદી અને ગુજરાતી ભાષામાં ગીતો ગાઈને સૌને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં અને તેનું જ MGT ૨૦૨૫ નું પ્રથમ બિરુદ ૧૧૦૦૦ રોકડ અને મુખ્ય ટ્રોફીથી સન્માન કરવામાં આવ્યું હતું. મલાડની નવજીવન પ્રાથમિક શાળાની નિશા ચંપકલાલ મકવાણા દ્વારા રિંગ પર નૃત્ય કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતાં જેમને સ્પેશિયલ ઈનામ ૧૦૦૦ રોકડ અને ટ્રોફી આપવામાં આવી હતી અને અંધેરીની શ્રીમતિ ગોકળીબાઈ પૂનમચંદ પીતાંબર હાઈસ્કૂલની માનસી મનોજ બેરડીયા એ નૃત્યનાં અલગ અલગ સ્ટેપ્સ દ્વારા સૌને થનગનતા કરી દીધાં હતાં જેમને સ્પેશિયલ ઈનામ ૧૦૦૦ રોકડ અને ટ્રોફી આપવામાં આવી હતી. આમ અલગ અલગ સ્પર્ધામાં કુલ ૧૦ સ્પેશિયલ ઈનામો માં દરેકને ૧૦૦૦ રોકડ અને ટ્રોફી આપવામાં આવી હતી. આમ કુલ ૪૫૦૦૦ રૂપિયાનાં રોકડ ઈનામો સંગઠન દ્વારા આપવામાં આવ્યાં હતાં. રજૂ થયેલ કૃતિઓથી પ્રભાવિત થઈ પ્રેક્ષકોમાંથી પરાગભાઇ ગોરડિયા તેમ જ અન્ય તરફથી રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી જે ખૂબ જ પ્રોત્સાહક હતું.

પછી યુવા સભ્યોની ઓળખ આપી ઈનામ લેવા આવેલ નવયુવાનોને પોતાની શાળા અને માતૃભાષા માટે તન અને મનથી કામ કરવાં આહ્વાન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ મહારાષ્ટ્ર બોર્ડની ગુજરાતી માધ્યમની શાળાઓમાં સૌ પ્રથમ આવનાર શેઠ આર.પી. વિદ્યાલય, નાસિકની આંશી જીજ્ઞાસા જીગ્નેશ દસલાણી (૯૩.૪૦%) , દ્વિતીય આવનાર શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા, ઘાટકોપરની માનસી હંસા મહાદેવ રાવરિયા (૯૨.૮૦%) અને રતનબેન ચુનીલાલ મહેતા ગુજરાતી હાઈસ્કૂલ, પૂનાની
ખુશી ઉર્વશી પ્રવીણ સાપરા (૯૨.૮૦%) તેમજ તૃતીય આવનાર જ્યોત્સના ધીરજલાલ તલકચંદ હાઈસ્કૂલ, મલાડની સાક્ષી ભારતી હરેશ ચૌહાણ (૯૨.૪૦%) અને
શ્રીમતિ સૂરજબા વિદ્યામંદિર, જોગેશ્વરીની ક્રિશા દિપ્તી વિપુલ પટેલ (૯૨.૪૦%) આમ પાંચ વિદ્યાર્થિનીઓનું ૧૦૦૦ ના રોકડ પુરસ્કાર, મુખ્ય ટ્રોફી, કાંદિવલીની સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયનાં વર્ષ ૧૯૮૪-૮૫ નાં બેચ તરફથી ચાંદીની લગડી આપી સન્માન કરવામાં આવ્યું હતું.
પછી  ૧૦૦ ટકા પરિણામ લાવનાર કુલ ૨૬ શાળાઓને ટ્રોફી અને અલગ અલગ ૪ પુસ્તકો પાઠવી સન્માન કરવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રની ગુજરાતી માધ્યમની દરેક શાળામાં પ્રથમ આવનાર કુલ ૫૦ વિદ્યાર્થીઓને ૧૦૦૦ રૂપિયા રોકડ પુરસ્કાર, ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આમ કુલ ૫૫,૦૦૦  રૂપિયાના રોકડ ઈનામો શાળાનાં ટોપર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યાં હતાં.

કાર્યક્રમનાં અંતે,  રાષ્ટ્રીય ગીત ગાવામાં આવ્યું હતું અને જમીને કાર્યક્રમની યાદોને હૃદય પટ પર પ્રતિબિંબિત કરી સૌ હસતાં – હસતાં ફરીથી મળવાના આહ્વાન સાથે છૂટા પડ્યાં હતાં.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More