News Continuous Bureau | Mumbai
મુંબઈના રહેવાસીઓ માટે વર્ષોથી માથાનો દુખાવો બની રહેલો એક મહત્ત્વનો પ્રશ્ન હવે ઉકેલાઈ રહ્યો છે. પોતાના બિલ્ડીંગને ઓસી મેળવવાની તક હવે હજારો સોસાઈટીને મળી શકે છે.
મુંબઈમાં એવી હજારો સોસાયટીઓ છે જ્યાં વર્ષોથી લોકો રહે છે, છતાં તેમને ઓક્યુપેશન સર્ટિફિકેટ (OC) મળ્યું ન હોવાથી સરકારી, બેન્કિંગ અને અન્ય નાગરિક કાર્યોમાં સતત અવરોધોનો સામનો કરવો પડતો હતો. નિયમોની છટકબારીઓ, બિલ્ડરોની બેદરકારી અને ટેક્નિકલ મુશ્કેલીઓના કારણે આ ઇમારતોને કાયદેસરની માન્યતા મળતી નહોતી. પરિણામે, મુંબઈમાં “ઘર છે પણ કાયદેસર રહેવાસી નથી” એવી વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ હતી.
આ સમાચાર પણ વાંચો : Maharashtra skill development: કૌશલ્ય વિકાસ વિભાગનો મોટો નિર્ણય: વિદેશી કંપનીઓને ઝટકો, સ્વદેશીને તક!
હવે સરકારે આ બાબતે એક મોટો નિર્ણય લીધો છે. મહાનગરપાલિકા, નગર વિકાસ, મહેસૂલ અને સહકાર વિભાગની સંયુક્ત બેઠકમાં 25,000થી વધુ ઇમારતોને OC મેળવવાનો રસ્તો ખોલવામાં આવ્યો છે. આ ઇમારતો માટે નવી નીતિ લાગુ કરીને ટેક્નિકલ અને વહીવટી ખામીઓને દૂર કરવામાં આવશે અને પારદર્શક રીતે ઓનલાઇન OC આપવામાં આવશે.
સૌથી ખાસ વાત એ છે કે, 2 ઓક્ટોબરથી શરૂ થનારી આ પ્રક્રિયામાં, જે સોસાયટીઓ પહેલા છ મહિનામાં અરજી કરશે તેમને કોઈ દંડ ભરવો નહીં પડે. જોકે, વધારાના FSIનો ઉપયોગ થયો હશે તો તેનો પ્રીમિયમ ભરવો પડશે.
પાલક મંત્રી એડવોકેટ આશિષ શેલારે આ નિર્ણયને આવકારતા મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને સંબંધિત વિભાગોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે મુંબઈના નાગરિકોને આ સુવર્ણ તક ન ગુમાવવાનું આહ્વાન કરતાં કહ્યું કે આ લાંબા સમયથી પડતર પ્રશ્નને આખરે રાહત મળશે.