News Continuous Bureau | Mumbai
મંત્રી શ્રી મંગલપ્રભાત લોઢા ‘જૈન રત્ન’ એવોર્ડથી સન્માનિત
મુંબઈ, ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૫: ભગવાન મહાવીર અને જૈન તિર્થંકરોનાં અહિંસા, સદભાવના અને વૈશ્વિક ભાઇચારાનાં સંદેશ સાથે આજે દક્ષિણ મુંબઇના સી.પી ટેન્ક વિસ્તારમાંથી નીકળેલી ઐતિહાસિક રથયાત્રાથી સમગ્ર દક્ષિણ મુંબઇ ભક્તિ અને આધ્યાત્મના રંગે રંગાઇ ગયું હતું. રથયાત્રાને લીલી ઝંડી દેખાડીને ઉદ્ઘાટન કરનારા કેબિનેટ મંત્રી શ્રી મંગલપ્રભાત લોઢાને શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન વતી લાખો ભક્તો અને સંતોની હાજરીમાં ‘જૈન રત્ન’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંગઠનના વરિષ્ઠ અધિકારી આશિષ શાહે જણાવ્ હતું કે જૈન સમુદાયના સર્વાંગી વિકાસમાં સદાય સક્રિય રહેવા બદલ સંગઠન તરફથી લોઢાજીને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ સન્માન સ્વીકારતી વખતે મંત્રી લોઢાએ આ પુરસ્કાર એકતા તથા ભાઇચારાને સ્વીકારનારા દરેક જૈન ભાઈઓને સમર્પિત કર્યો હતો. દેશભક્તિની ભાવના જાગૃત કરવા માટે સામાજિક એકતા જરૂરી છે અને જૈન સમુદાયની રથયાત્રા રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે, એમ તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે કબૂતરખાનાનો પ્રશ્ન જૈન સમુદાયની ભાવનાઓ સાથે જોડાયેલો છે અને સમુદાયની ઇચ્છા છે કે મુંબઈમાં કબૂતરખાનું બને, જેના માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે.
આ ઐતિહાસિક રથયાત્રા દક્ષિણ મુંબઈના સીપી ટેન્ક સંકુલથી શરૂ થઈ હતી. ભગવાન મહાવીરની ૨૦ ફૂટ ઊંચી પ્રતિમાએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. શાંતિ, ભક્તિ અને એકતાનો સંદેશ આપતી આ રથયાત્રામાં ૨૦૦ થી વધુ જૈન સંઘોએ ભાગ લીધો હતો. પૂજ્ય સાધુઓ અને સાધ્વીઓના જિનવાણી ઉપદેશથી સમગ્ર દક્ષિણ મુંબઈ વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. આદિવાસી, કચ્છી, મણિપુરી અને કેરળના સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શને વાતાવરણને મનોહર બનાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
રથયાત્રામાં ર૪ તીર્થંકરોની પ્રતિમાઓ અને ૫૫ થી વધુ ફિલ્મો જૈન સમાજના સદ્ભાવનાના સિદ્ધાંતો દર્શાવી રહી હતી. ૧૫ સંગીત વાધોએ ભક્તિ સંગીતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. છેલ્લા પાંચ વર્ષથી, શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા આ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં જૈન ભક્તો ખૂબ જ ભક્તિભાવથી ભાગ લે છે, એમ સંસ્થાના અધિકારી મુકેશ જૈને જણાવ્યું હતું.
ભગવાન મહાવીર સ્વામીના ૨૫૫૧મા નિર્વાણ મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સીપી ટેન્કથી શરૂ થયેલી આ ભક્તિ યાત્રા ગોવાલિયા ટેન્ક પરિસરમાં લાખો ભક્તોની હાજરીમાં પૂર્ણ થઈ હતી. જૈન સમુદાયમાં સામૂહિક રથયાત્રાનું ખૂબ મહત્વ છે અને તેને સતત આધ્યાત્મિક અને ભાવનાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. સંગઠનનાં વીરેન્દ્ર શાહ, ઘેવરચંદ બોહરા, નીતિન વોરા, રાકેશ શાહ, જયેશ ભાઈ લબ્ધી, સુધીર ભાઈ કમલ કિશોર તાતેડ અને અન્ય અધિકારીઓએ આ કાર્યક્રમને સફળ અને અવિસ્મરણીય બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.