News Continuous Bureau | Mumbai
હાલમાં જ થાણે જિલ્લામાં બોરવેલ ખોદવાને કારણે ભૂગર્ભ જળ ટનલને ભારે નુકસાન થયું હોવાનો બનાવ બન્યો હતો. તેથી સતર્ક થયેલી મુબંઈ મહાનગરપાલિકા (BMC)એ મુંબઈ સહિત થાણેમાં તમામ રહેવાસીઓ, બિલ્ડરો, જાહેર સંસ્થાઓ, બોરવેલ ખોદતા કોન્ટ્રાક્ટરો, સહિત અન્ય લોકોને મંજૂરી વગર બોરવેલ ખોદવા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.
પાલિકા દ્વારા આ સંદર્ભે માહિતી આપતી એક અખબારી યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, મુંબઈ અને થાણે જિલ્લાના તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મુંબઈમાં પાણી પુરવઠા માટે ગુંદવલીથી ભાંડુપ કોમ્પ્લેક્સ જળ શુદ્ધિકરણ કેન્દ્ર સુધી તળાવમાંથી પાણી લઈ જવા માટે ભૂગર્ભ જળ ટનલની વ્યવસ્થા કરી છે. તેમજ, ભાંડુપ સંકુલથી શહેર અને ઉપનગરોમાં જળાશયમાંથી પાણી પહોંચાડવા માટે ભૂગર્ભ જળ ટનલનું નેટવર્ક બનાવવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: 26મી જાન્યુઆરી પહેલાં ધમાકાઓથી હચમચ્યું જમ્મુ, નરવાલમાં માત્ર અડધા કલાકમાં બે બ્લાસ્ટ… આટલા લોકો થયા ઘાયલ
મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી કુવા, કુપનાલિકા ખોદતી વખતે ભૂગર્ભ પાણીની ટનલને નુકસાન થતાં અકસ્માતો સર્જાયા છે. આવા બનાવોને પગલે પાણી પુરવઠો ખોરવાય છે અને નાગરિકોને આના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે. તેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ કહ્યું છે કે મુંબઈ અને થાણે જિલ્લાના તમામ રહેવાસી, બાંધકામ વ્યવસાયિક, ડેવલપર, સાર્વજનિક સંસ્થા, કૂવા ખોદનારા કૉન્ટ્રેક્ટર તેમ જ કૂવો ખોદવા માટે યંત્ર ઉપલબ્ધ કરનારા કૉન્ટ્રેક્ટર અને અન્ય નાગરિકોનેે વ્યક્તિગત અથવા સાર્વજનિક બોરવેલ ખોદવા પહેલાં મુંબઈ મહાનગરપાલિકા અથવા થાણે મહાનગરપાલિકા પાસેથી નિયમ મુજબ તમામ પ્રક્રિયા કરીને મંજૂરી લેવાની રહેશે.
દરમિયાન હવે જોવાનું એ રહે છે કે પાલિકાના આ આદેશ બાદથી મુંબઈમાં પાણી ચોરી અટકે છે કે કેમ. કારણ કે, આ જ પાઈપલાઈન દ્વારા મુંબઈમાં ઘણી વખત પાણીની ચોરી થાય છે. તો હવે જોવું અગત્યનું રહેશે કે નગરપાલિકાની કાર્યવાહીના ડરથી લાયસન્સ વગર વપરાતા પાણીના નળ બંધ થાય છે કે કેમ.
આ સમાચાર પણ વાંચો: BEST પ્રશાસનની નવી પહેલ.. મુંબઈ એરપોર્ટથી કફ પરેડ માટે શરૂ કરી પ્રીમિયમ બસ સેવા.. જાણો કેટલું હશે ભાડું અને રૂટ..