News Continuous Bureau | Mumbai
Mumbai Local Murder મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં મુસાફરી દરમિયાન સર્જાયેલા એક સામાન્ય વિવાદે લોહિયાળ વળાંક લીધો છે. બોરીવલી જતી ટ્રેનમાં વિલે પાર્લેની પ્રખ્યાત એન.એમ. કોલેજના લેક્ચરરની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ પોલીસ સમક્ષ જે ખુલાસો કર્યો છે તે અત્યંત ચોંકાવનારો છે. આરોપીએ દાવો કર્યો છે કે મહિલાઓ સામે થયેલા અપમાનના બદલાની ભાવનામાં તેણે આ કૃત્ય આચર્યું હતું. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે, ઘટના સમયે ટ્રેનના દરવાજા પાસે બે મહિલાઓ ઉભી હતી, જેની પાછળ પ્રોફેસર અને તેમના મિત્ર ઉભા હતા. આરોપી જ્યારે આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે પ્રોફેસરે તેને પાછળ ધકેલીને ટોક્યો હતો કે, “દેખાતું નથી? આગળ મહિલાઓ ઉભી છે.” આરોપીના જણાવ્યા મુજબ, આ સાંભળીને ત્યાં ઉભેલી મહિલાઓએ તેની સામે જોયું, જેનાથી તેને ભારે અપમાન અનુભવાયું અને તે પિત્તો ગુમાવી બેઠો હતો.
સામાન્ય ચીપિયો કેવી રીતે બન્યો મોતનું હથિયાર?
આરોપી ઈમિટેશન જ્વેલરી બનાવવાનું કામ કરતો હોવાથી તેની પાસે બેગમાં ‘ટ્વીઝર’ (ચીપિયો) જેવું તીક્ષ્ણ હથિયાર હતું. તેણે પોલીસને જણાવ્યું કે તે માત્ર પ્રોફેસરને “પાઠ ભણાવવા” માટે હળવો ઘા મારીને ભાગી જવા માંગતો હતો, પરંતુ તે ઘા એટલો ઊંડો અને જીવલેણ સાબિત થયો કે પ્રોફેસરે હોસ્પિટલ પહોંચતા પહેલા જ જીવ ગુમાવ્યો. ચોંકાવનારી વાત એ છે કે, ધરપકડ થઈ ત્યાં સુધી આરોપીને અંદાજ પણ નહોતો કે પ્રોફેસરનું મૃત્યુ થયું છે.
ઝડપથી ગુસ્સે થવાનો સ્વભાવ નડ્યો
પોલીસ તપાસમાં એ વાતની પણ પુષ્ટિ થઈ છે કે આરોપી અત્યંત શોર્ટ ટેમ્પર છે. આરોપીના પિતાએ પણ પોલીસને જણાવ્યું છે કે તેને પોતાના ગુસ્સા પર કાબૂ રાખવામાં ઘણી મુશ્કેલી પડતી હતી અને નાની વાતોમાં તે ઉશ્કેરાઈ જતો હતો. રેલવે પોલીસે (Railway Police) CCTV ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે આરોપીની ધરપકડ કરી છે.
આ સમાચાર પણ વાંચો: PM Modi: બજેટ પહેલા પીએમ મોદીનો મોટો સંકેત: “હવે અમે રિફોર્મ એક્સપ્રેસ પર નીકળી પડ્યા છીએ”, જાણો દેશ માટે શું છે વડાપ્રધાનનો પ્લાન
રેલવે પોલીસની કાર્યવાહી
હાલમાં રેલવે પોલીસ આરોપીના દાવાઓની ખરાઈ કરી રહી છે અને ઘટનાનું પુનઃનિર્માણ (Reconstruction) કરીને વધુ પુરાવા એકત્ર કરી રહી છે. આ ઘટનાએ મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષા અને લોકોમાં વધતા જતા અસહિષ્ણુતાના સ્તર પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. એન.એમ. કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં આ ઘટનાને લઈને ભારે રોષ અને શોકની લાગણી જોવા મળી રહી છે.