ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
મુંબઈગરો માટે જીવાદોરી સમાન મુંબઈ લોકલ ટ્રેન સસ્તી મુસાફરી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હાલ શહેરમાં વધતા જતા કોરોનાના સંક્ર્મણ અને ત્રીજી લહેરના ભયના પગલે સરકારે આમ જનતા માટે લોકલ ટ્રેન બંધ રાખી છે, પરંતુ નોકરી પર પહોંચવા હજારો લોકો બોગસ આઈ કાર્ડ બનાવીને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા પકડાઈ રહ્યા છે. એને રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે યુનિવર્સલ પાસ આપવાની યોજના ઘડી છે. અત્યાવશ્યક સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓને આ પાસ આપવામાં આવશે. આ પાસ હશે તે લોકો જ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે.
BMCના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર અને રેલવે ક્યુઆર કોડ્સનો ઉપયોગ કરતા કાર્ડનો ઉપયોગ કરીને મુસાફરી માટે પાંચ-સ્તરની વ્યૂહરચના પર સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે. નવો 'યુનિવર્સલ ટ્રાવેલ પાસ'થી મુંબઈ અને આજુબાજુમાં રહેતા લોકો ઉપનગરીય લોકલ ટ્રેનો, મુંબઈ મેટ્રો અને મોનોરેલમાં મુસાફરી કરી શકશે.
નવી સિસ્ટમ અંતર્ગત, BMC દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધના સ્તરને આધારે લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોને પરવાનગી અપાશે. ઉદાહરણ તરીકે, ડિગ્રી 3નો પાસ ધરાવતી વ્યક્તિને તો જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે જો પ્રતિબંધનો સ્તર 1, 2 અથવા 3 હશે. એ જ રીતે જો કોઈ વ્યક્તિ પાસે ડિગ્રી 2 પાસ છે, તો તે ફક્ત ત્યારે જ મુસાફરી કરી શકશે જ્યારે પ્રતિબંધ સ્તર 1 અથવા 2 હોય. જોકે ડિગ્રી 5 પાસ ધરાવનાર વ્યક્તિ કોઈ પણ પ્રતિબંધના સ્તરને ધ્યાનમાં લીધા વિના લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે.
પાસ મેળવવા માટે, લોકોએ મહારાષ્ટ્રના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ અને રાહત અને પુનર્વસન વિભાગ – msdmacov19.mahait.org વેબસાઇટ દ્વારા ઑનલાઇન નોંધણી કરાવવી પડશે. યુનિવર્સલ ટ્રાવેલ પાસ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
નવી ટિકિટિંગ સિસ્ટમ હેઠળ, મુંબઈ મેટ્રોપોલિટન રીજન (એમએમઆર) માં રેલવે સ્ટેશનો પર પાસને તપાસવા માટે સ્માર્ટફોન અથવા ક્યુઆર કોડ રીડરનો ઉપયોગ કરવામાં આવશે. માન્ય ક્યુઆર કોડ વિના મુસાફરી કરનારાઓને 500 રૂપિયા દંડ થશે, જ્યારે બનાવટી આઈડી લઈને મુસાફરી કરનારાઓને રેલવે પોલીસ દળને સોંપવામાં આવશે.
તો શું મુંબઈને કારણે રાજ્યમાં SSCનું રિઝલ્ટ લંબાશે? મહાનગરમાં હજી પણ બાકી છે આટલું કામ;જાણો વિગત