ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 જૂન 2021
ગુરુવાર
મુંબઈગરાની સુવિધા માટે બનાવવામાં આવી રહેલી મેટ્રો રેલવેનાં કામ હવે તેની ડેડલાઇનમાં પૂરાં કરી શકાશે નહીં એવું મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (MMRCL)એ કહ્યું છે. કોરોનાને પગલે ગયા વર્ષથી સતત લાદવામાં આવેલા લૉકડાઉનનો મોટો ફટકો કોલાબા-બાંદરા-સિપ્ઝ મેટ્રો-3 પ્રોજેક્ટને પડ્યો છે. પ્રોજેક્ટની મુદત લંબાવવાની સાથે જ એના ખર્ચમાં પણ મોટા પ્રમાણમાં વધારો થવાનો છે.
લૉકડાઉન તથા મનુષ્ય બળ અને કાચા માલને અભાવે મેટ્રો-3નું કામ અટવાઈ પડ્યું છે. એથી આરે કૉલોનીથી બીકેસી વચ્ચેનું કામ ડિસેમ્બર 2021 સુધીમાં તો બીકેસીથી કફપરેડનો તબક્કો જૂન 2022 સુધીમાં પૂરી કરવાની ડેડલાઇન હવે લંબાઈ ગઈ છે. આવા કારણોને પગલે હવે આ કામ ક્યારે પૂરું થશે એ કહેવું પણ અનિશ્ચિત હોવાનું MMRCLએ કહ્યું હતું.
મેટ્રો-3નું અત્યાર સુધી 70 ટકા કામ થઈ ગયું છે. કોલાબા-બાંદરા-સિપ્ઝ મેટ્રો-3 33.5 કિલોમીટર લંબાઈની છે, જેમાં 27 સ્ટેશનોમાંથી 26 સ્ટેશન અન્ડરગ્રાઉન્ડ છે.
અહીં ઉલ્લેખનીય છે કે આરે કૉલોની બાદ કાંજુરમાર્ગમાં કારશેડ બાંધવાને મુદ્દે થયેલા વિવાદને પગલે પહેલાંથી પ્રોજેક્ટના ખર્ચમાં લગભગ 10,000 કરોડ રૂપિયા સુધીનો વધારો થયો છે, ત્યારે પ્રોજેક્ટની ડેડલાઇન લંબાઈ જતાં મેટ્રો-3નો ખર્ચ આસમાને પહોંચી જવાનો છે.