ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,
15 ફેબ્રુઆરી, 2022
મંગળવાર.
બેસ્ટ બસ અને લોકલની સાથે મેટ્રો સેવા પણ હવે મુંબઈમાં લોકોની લાઈફલાઈન બની ગઈ છે. મેટ્રો શરૂ થયા બાદ મુંબઈના ટ્રાફિક પરનો તણાવ ઘણો ઓછો થયો છે. ત્યારે મુંબઈવાસીઓ માટે વધુ સારા સમાચાર છે. મેટ્રો 2A (દહિસરથી ડીએન નગર) અને મેટ્રો 7 (દહિસર પૂર્વથી અંધેરી પૂર્વ) માર્ગો માર્ચ સુધી મુસાફરો માટે ખુલ્લા રહેવાની અપેક્ષા છે. તેથી મુંબઈકરોને ટૂંક સમયમાં ટ્રાફિક જામમાંથી છુટકારો મળે તેવી શક્યતા છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ, હાલ આ રૂટ પર દોડતી મેટ્રો ટ્રેનોની સુરક્ષા તપાસ પૂર્ણ થઈ ગઈ છે. માત્ર મેટ્રો ટ્રેકની સુરક્ષા તપાસ બાકી છે. આ તપાસ પછી, મેટ્રો રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સુરક્ષા પ્રમાણપત્ર આપવામાં આવશે. ત્યાર બાદ મુંબઈવાસીઓ માટે મેટ્રો ટ્રેન ફરીથી પાટા પર દોડવા લાગશે. જો કે રાહતની વાત એ છે કે આ પ્રક્રિયા થોડા દિવસોમાં જ પૂર્ણ થઈ જશે. અહેવાલો અનુસાર માર્ચ મહિનાથી આ બંને રૂટ પર મેટ્રો ટ્રેન શરૂ થવાની સંભાવના છે.
આ બંને મેટ્રો શરૂ થયા બાદ ટ્રાફિકની સમસ્યામાં 10 થી 15 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. આ ઉપરાંત લોકલ ટ્રેનોની ભીડ પણ ઘણા અંશે ઓછી થશે. જેને કારણે જ હાલ મુંબઈવાસીઓ આ બે મેટ્રો શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
જાન્યુઆરી મહિનામાં મેટ્રોના આ બંને રૂટ માટે ‘રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન’ (RDSO) સંબંધિત પ્રમાણપત્રો જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રમાણપત્રો બે તબક્કામાં આપવામાં આવે છે. તેમની શરતો અનુસાર મેટ્રો ટ્રેનની સુરક્ષા સંબંધિત તપાસ પણ પૂરી થઈ ગઈ છે. હવે માત્ર આ બંને રૂટના મેટ્રો ટ્રેકની સેફ્ટી ચેક કરવાની બાકી છે. પ્રથમ તબક્કામાં મેટ્રોના વહીવટ અને સંચાલનની જવાબદારી સ્વતંત્ર સંસ્થાને આપવામાં આવી છે. MMRDAની સત્તા હેઠળ કામ કરતી આ સંસ્થા દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમની તાલીમ પણ પૂરી થઈ ગઈ છે. એટલે કે મેન પાવર પણ હવે પૂરી ક્ષમતાથી કામ કરવા તૈયાર છે.
આ બે રૂટ પર 10 મેટ્રો ટ્રેન દોડવા માટે તૈયાર છે. મેટ્રો ટ્રેનના સંચાલન માટે જરૂરી મેન પાવર પણ તૈયાર રાખવામાં આવ્યું છે. આ ટ્રેનોની તપાસ છેલ્લા કેટલાય મહિનાઓથી શરૂ થઈ છે. હવે તેમની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તેઓ ટ્રેક પર દોડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
મુંબઈમાં આટલા લોકોને છે વોર્ડના સીમાંકન સામે વાંધો, સૌથી વધુ સૂચનો આ વોર્ડમાંથી આવ્યા; જાણો વિગત
તમને જણાવી દઈએ કે, મેટ્રો 2A 18.5 કિમી લાંબી છે. દહિસર પશ્ચિમથી ડીએન નગર સ્ટેશન સુધી મેટ્રો 2A રૂટ હશે. આ માર્ગમાં દહિસર પૂર્વ, અપર દહિસર, કંદેરપાડા, મંડપેશ્વર, એકસર, બોરીવલી (પશ્ચિમ), શિમ્પોલી, કાંદિવલી (પશ્ચિમ), દહાણુકરવાડી, વલનાઈ, મલાડ (પશ્ચિમ), લોઅર મલાડ, પહાડી ગોરેગાંવ, ગોરેગાંવ (પશ્ચિમ), ઓશિવારા, લોઅર ઓશિવારા અને ડીએન નગર સ્ટેશન હશે.
મેટ્રો-7 રૂટ પર 14 સ્ટેશન હશે. દહિસર પૂર્વ, ઓવરીપાડા, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, દેવીપાડા, મગાઠાણે, પોઈસર, આકુર્લી, કુરાર, દીંડોશી, આરે, ગોરેગાંવ પૂર્વ (મહાનંદ ડેરી), જોગેશ્વરી પૂર્વ (JVLR જંકશન), શંકરવાડી, ગુંદવલી (અંધેરી પૂર્વ) જેવા સ્ટેશનોનો સમાવેશ થાય છે.
લોકડાઉનને કારણે વેપારીઓને થયેલા નુકસાનનું વળતર આપવાની CAITની માગણી; જાણો વિગત