ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
મુંબઈગરાની સેવામાં બહુ જલદી નવી મેટ્રો ટ્રેન હાજર થવાની છે. બધું સમુંસૂથરું રહ્યું તો 2022ના માર્ચ સુધીમાં મુંબઈગરાને નવી મેટ્રો લાઇનમાં પ્રવાસ કરવો શક્ય બનશે. મહાવિકાસ આઘાડીની સરકારે મુંબઈગરા માટે આપેલી સોગાતને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ પરના ટ્રાફિકમાં તો મોટો ઘટાડો થવાનો છે, પરંતુ સામાન્ય નાગરિકોનો પ્રવાસ પણ ઝડપી બનવાનો છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મેટ્રો ટ્રાયલને લીલી ઝંડી દાખવ્યા બાદ 31 મેથી મેટ્રો 2-એ અને મેટ્રો 7ની ટ્રાયલ ચાલુ થઈ ગઈ છે, તો મેટ્રો 6ના પ્રોટોટાઇપ કોચના અલગ અલગ સ્પીડ ટ્રાયલ ચાલી રહ્યા છે.
ભારત ઇલેક્ટ્રિક મૂવર્સ લિ. (બીઈએમએલ) દ્વારા નિર્મિત મેટ્રોના પહેલા રેકનું ટ્રાયલ થઈ ગયું છે. હાલ એમએમઆરડીએ દ્વારા બીઈએમએલના સેકન્ડ રેકનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ટ્રાયલ સફળ થયા બાદ જ્યારે મેટ્રો જ્યારે કૉમર્શિયલ સ્તરે એટલે કે સામાન્ય મુંબઈગરા માટે ચાલુ થશે ત્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર લગભગ 25 ટકા ટ્રાફિક ઘટી જશે.
આ મેટ્રોમાં મેટ્રો 2એ દહિસરથી ડી.એન.નગર વચ્ચેની 18.59 કિલોમીટર લાંબી રેલનો સમાવેશ થાય છે, તો મેટ્રો -7 લાઇન અંધેરી (ઈસ્ટ)થી દહિસર(ઈસ્ટ) સુધી 16.47 કિલોમીટર લાંબી છે. જ્યારે મેટ્રો 6માં સ્વામી સમર્થનગર-જોગેશ્વરી-વિક્રોલી-કાંજુરમાર્ગ મેટ્રોનો સમાવેશ થાય છે.