News Continuous Bureau | Mumbai
Mumbai News: કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા મંત્રી મંગલપ્રભાત લોઢાએ શિક્ષણ અધિકારીઓને સૂચના આપી હતી કે તેઓ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં શક્ય તેટલી વહેલી તકે પેરેન્ટ્સ એસોસિએશનની સ્થાપના કરે અને શિક્ષકો અને વાલીઓ વચ્ચે ચર્ચા દ્વારા શૈક્ષણિક સમસ્યાઓનું નિરાકરણ લાવે. મંત્રી શ્રી લોઢાની હાજરીમાં વાલકેશ્વર સ્થિત કાવલે મઠ મ્યુનિસિપલ સ્કૂલમાં શાળા પ્રવેશ સમારોહ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો.
મંત્રી શ્રી લોઢાએ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સામગ્રી અને ગુલાબ આપીને સ્વાગત કર્યું. વિદ્યાર્થીઓ શાળા પ્રત્યે લગાવ અનુભવે અને શાળાના પ્રથમ દિવસને વિદ્યાર્થીઓ માટે ઉજવણી અને અવિસ્મરણીય બનાવવાના ઉદ્દેશ્યથી શાળા પ્રવેશોત્સવ પહેલ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી લોઢાએ ઉપસ્થિત વાલીઓ સાથે પણ વાતચીત કરી હતી. તેમણે તેમના સૂચનો પણ સાંભળ્યા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પેરેન્ટ્સ એસોસિએશન મહિનામાં એકવાર શિક્ષકો સાથે બેઠકનું આયોજન કરે, જેનાથી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવશે.
છત્રપતિ શિવાજી મહારાજ, પુણ્યશ્વોક અહિલ્યાદેવી હોલકર, ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે, સ્વાતંત્ર્યવીર સાવરકર અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા અનેક મહાનુભાવોનો જન્મ મહારાષ્ટ્રની ધરતી પર થયો હતો અને આવનારી પેઢી તેમના કાર્ય અને સિદ્ધિઓ વિશે જાણી શકે તે માટે મંત્રી શ્રી લોઢાએ શિક્ષણ અધિકારીઓને મહિનામાં એકવાર શાળાઓમાં ખાસ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવાની સૂચના પણ આપી હતી.
આ સમાચાર પણ વાંચો : Indian Air Force:ભારતીય વાયુસેનાની વધશે તાકાત, પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મળશે આ ઘાતક હથિયાર; જાણો ખાસિયત..
શિક્ષણ અધિકારી શ્રી રાજેશ કંકલે એમ પણ માહિતી આપી હતી કે મંત્રી શ્રી લોઢાના પ્રયાસોને કારણે મ્યુનિસિપલ શાળાઓમાં પસંદગીના ટ્રેડના ITI અભ્યાસક્રમો શરૂ થઈ રહ્યા છે. કંકલે એવો પણ દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કૌશલ્ય વિકાસ મંત્રી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ રહેશે. આ કાર્યક્રમમાં સહાયક નાયબ કમિશનર મનીષ વલંજુ, કવલે મઠ મ્યુનિસિપલ સ્કૂલના વહીવટી વડા શ્રોમતી સયાલી પાટિલ અને નગરપાલિકાના ડી વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.