ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
29 સપ્ટેમ્બર 2020
મુંબઈ પોલીસે મુંબઈ, નવી મુંબઈ, થાણા, પાલઘર સુધીના વિસ્તારમાં છેલ્લા 12 વર્ષથી ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગે અત્યાર સુધીમાં 108 મહિલાઓની ચેન ચોરી કરી હોવાની કબુલાત કરી છે. ચોરની આ કબૂલાતથી પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ ગેંગમાં પતિ-પત્ની સાળો અને એક મિત્ર સામેલ હતા. આ ટોળી મોટર સાયકલ પર બેસીને મહિલાઓને નિશાન બનાવતા હતા અને દરેક વખતે તેઓ જુદી જુદી ચોરી કરેલી મોટરસાયકલ નો જ ઉપયોગ કરતા હતા. આથી પોલીસના હાથે ચડતા ન હતા. આ લોકો કાવતરું ઘડીને ગુનો કર્યા બાદ મોટરસાયકલ છોડીને જતા રહેતા હતા. આમ કાવતરું ઘડીને ગુનો કરતા હોવાથી મુંબઇ પોલીસે મકોકા હેઠળ કાર્યવાહી કરી છે..
તાજેતરમાં દહીંસર ઈસ્ટ માં એક મહિલાના ગળામાંથી 25 ગ્રામની સોનાની ચેન આંચકવાનો કિસ્સો ઉજાગર થયો હતો.. મહિલાએ કરેલી પોલીસ ફરિયાદને આધારે નજીકના સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરતા પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી. આ આરોપી અગાઉ પણ અનેકવાર ચોરીના ગુનામાં પકડાઇ ચૂક્યો હતો. પૂછપરછમાં તેણે જણાવ્યું કે જે તે વખતે જેલમાં બંધ રહેતો ત્યારે પૈસાની લાલચ આપી અન્ય કેદીઓને પોતાની સાથે મોટર સાયકલ ચોરી માં સામેલ કરી લેતો હતો. ત્યારબાદ પોતાના મિત્ર સાથે મળી ને ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. પોલીસે આરોપીની પત્ની અને સાળા પાસેથી 86 ગ્રામ સોનાના દાગીના જપ્ત કર્યા છે. જ્યારે અન્ય એક સાથી ફરાર થઇ ગયો છે.
