ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ડ્રગ્સ માફિયાઓની પાછળ હાથ ધોઈને પડેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને મુંબઈ પોલીસે સમન્સ મોકલીને હાજર થવાનું ફરમાન કર્યું છે. સમીર વાનખેડેએ તેમની ઉપર પોલીસ દ્વારા જાસૂસી કરવામાં આવી રહી હોવાની લેખિતમાં ફરિયાદ કરી છે. તેમની ફરિયાદને આધારે મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાળે તપાસનો આદેશ આપ્યો છે. જાસૂસી પ્રકરણની તપાસ મુંબઈ પોલીસ જ કરવાની છે.
“મારો સતત પીછો કરવામાં આવી રહ્યો છે. મારા પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.” એવો સમીર વાનખેડેએ 11 ઑક્ટોબરના દાવો કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસને CCTV ફૂટેજ પણ તેમણે આપ્યા હતા તેમ જ પુરાવા પણ તેમણે મુંબઈ પોલીસને આપ્યા હતા.
સમીર વાનખેડેની ફરિયાદ બાદ મુંબઈ પોલીસ આ પૂરા પ્રકરણની તપાસ કરી રહી છે તેમ જ તેમની પૂછપરછ કરવા માટે મુંબઈ પોલીસે સમન્સ પણ મોકલ્યા છે.