ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર, 2021
સોમવાર
શનિવારે મુંબઈ રેલવે પોલીસને આવેલા એક ટેલિફોન કૉલે મુંબઈમાં હલચલ મચાવી દીધી હતી. મુંબઇ પર 26/11 ત્રાસવાદી હુમલાની વર્ષગાંઠ પહેલા અચાનક શહેરમાં બોમ્બ વિસ્ફોટ થશે તેવો કોલ આવતા ખળભળાટ મચી ગયો હતો. તરત જ દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. પોલીસે આ ફોન કોલ કરનારને શોધી લીધો છે.
બાંદ્રા રેલ્વે પોલીસ સ્ટેશનને ટેલિફોન કોલ દ્વારા બોમ્બ વિસ્ફોટની ધમકી એક વ્યકિતએ આપી હતી. તેણે પોતાનું નામ જાવેદ કહ્યું હતું. આ માહિતી મળ્યા બાદ શનિવારે મુંબઈના રેલવે સ્ટેશનો પર સુરક્ષા કડક કરવામાં આવી હતી. મહત્વના સ્ટેશનો પર શ્વાનની ટીમ દ્વારા તપાસ થઈ હતી. બીજી બાજુ પોલીસે ફોન કરનારની તપાસ શરૂ કરી. જો કે, કોલ કરનારનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું હતું કે તે માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને આવા ધમકીભર્યા ફોન કોલ કરવાની આદત છે. પોલીસે આ અંગે મીડિયાને માહિતી આપી હતી.
રેલવે પોલીસ કમિશનર કૈઝર ખાલિદે ટ્વિટ કર્યું હતું કે ફોન કરનાર તેની માતા સાથે દુબઈમાં રહે છે અને માનસિક રીતે અસ્વસ્થ છે. તમામ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે અને ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી.
કૈઝર ખાલિદે લખ્યું હતું કે આ જ વ્યક્તિએ ગયા અઠવાડિયે ગુજરાતના ગાંધીધામમાં એક અધિકારીને આવી જ માહિતી આપી હતી. ખાલિદે ઉમેર્યું કે આ વ્યક્તિના સંબંધીએ પુષ્ટિ કરી છે કે તેને ફોન પર આવી માહિતી આપવાની આદત છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા હરિયાણાના અંબાલા અને ચંદીગઢ રેલવે સ્ટેશનને પણ ફોન પર ધમકી આપવામાં આવી હતી. જો કે, અહીં એક વ્યક્તિ પોતાને લશ્કર-એ-તૈયબાનો માણસ ગણાવીને ડીઆરએમને પત્ર લખીને બોમ્બથી વિસ્ફોટ કરવાની ધમકી આપી હતી.