ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 સપ્ટેમ્બર 2020
મુંબઈના બોરીવલી સ્થિત સંજય ગાંધી નેશનલ પાર્ક (એસજીએનપી) આગામી ઓક્ટોબરથી સવારના વૉકર્સ માટે ખોલવામા આવે એવી સંભાવના છે. નોંધનીય વાત છે કે દેશવ્યાપી લોકડાઉન બાદ માર્ચ મહિનાથી નેશનલ પાર્ક જાહેર જનતા માટે સંપૂર્ણ બંધ કરી દેવાયું હતું.. એસજીએનપીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે હજુ સુધી પાર્ક ખોલવાની તારીખ નક્કી કરી નથી કારણ કે તે સરકારના નિર્ણય પર આધારીત છે. જોકે, અમે વોકર્સ માટે પાર્ક ખોલવા પહેલાની તમામ તૈયાર કરી રહ્યા છીએ જેમકે સફાઇ કામ, નાના નાના સમારકામ વગેરે હાથ ધર્યા છે."
નોંધનીય છે કે કોવિડ-19 રોગચાળો શરૂ થતાં પહેલાં, 3,000-4,000 થી પ્રવાસીઓ દૈનિક ધોરણે નેશનલ પાર્ક (એસજીએનપી) ની મુલાકાત લેતા હતા અને સપ્તાહના અંત માં આ સંખ્યા વધી જતી હતી. તદુપરાંત, દરરોજ, 500-600 જેટલા સવારના વૉક કરનારા લોકો ઉદ્યાનની મુલાકાત લેતા હતા. વન વિભાગના અધિકારીઓના કહેવા મુજબ આ બંધને કારણે પાર્કને દરરોજ સરેરાશ 2 થી 3 લાખની આવક ગુમાવવી પડી રહી છે, જે પાર્કની એન્ટ્રી ફી, પશુ સફારી ટિકિટ વગેરેના વેચાણ દ્વારા મળતી હતી.
એસજીએનપીની સાથે સાથે વસઈમાં તુંગારેશ્વર વન્યપ્રાણી અભયારણ્ય ખોલવા અંગેનો નિર્ણય પણ ટૂંક સમયમાં લેવામાં આવશે. નોંધનીય છે કે લોકડાઉનના પ્રતિબંધો હળવા થવા માંડતાં, બીએમસીએ ઉદ્યાનોમાં લોકોને પ્રવેશની મંજૂરી આપવામાં આવી રહી છે. આથી જ બોરીવલી આસપાસના લોકો પૂછપરછ કરતા હતા કે મોર્નિંગ વોકર્સ માટે આ પાર્ક ક્યારે ખુલશે.. !!
