ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
30 સપ્ટેમ્બર 2020
સંજય ગાંધી નેશનલ પાર્ક (SNGP) પહેલી ઓક્ટોબરથી સવારે 'વોકિંગ' 'જોગિંગ' કરવાં આવતા લોકો માટે ખુલ્લો મૂકી શકાય છે. એક અનુમાન મુજબ લોકડાઉન પહેલા દરરોજ સવારે અંદાજે 500 લોકો પાર્કની મુલાકાત લેતાં હતાં અને આખા દિવસભરમાં 3,000 જેટલાં પ્રવાસીઓ આ વિસ્તારની મુલાકાત લેતા હતા.. પરંતુ 31 માર્ચથી લોકડાઉન શરૂ થયું ત્યારથી પાર્ક બંધ છે.
પ્રથમ ઓક્ટોબર થી એસએનજીપી પાર્ક સવારે ચાલવા આવનારા માટે 5.30 થી 8.30 સુધીના મર્યાદિત સમય માટે જ ખુલ્લો રહેશે. હાલ પ્રવાસીઓને મંજૂરી આપવામાં આવશે નહીં. જોકે, ઉદ્યાનની અંદર નજીવા સમારકામ સહિતની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ અંતિમ નિર્ણય રાજ્ય સરકારનો રહેશે. સવારે ચાલવા આવનારા દરેક લોકોએ શારીરિક અંતર જાળવવું, સેનિટાઇઝિંગ અને માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. માર્ચ, એપ્રિલ, મે અને જૂન – એમ ઉનાળાના શ્રેષ્ઠ ચાર મહિનામાં કોવિડ -19 લોકડાઉનને કારણે આ પાર્ક બંધ રહેતાં પ્રશાસને નોંધપાત્ર આવક ગુમાવવી પડી છે.
સરકારની મંજૂરી બાદ વન વિભાગ 1 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે તમામ વન્યપ્રાણી પાર્ક ખોલવાની યોજના પણ બનાવી રહ્યું છે, જે નિર્ણયને સ્થાનિક રહેવાસીઓ અને વહીવટીતંત્રએ પણ વધાવી લીધો છે.
