ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
ચાલુ સપ્તાહે દિલ્હી સ્પેશિયલ સેલ દ્વારા 6 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાંથી એક મુંબઈના ધારાવી વિસ્તારનો રહેવાસી છે. દિલ્હી સ્પેશિયલ સેલનાં સૂત્રો અનુસાર ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકીઓ મુંબઈની લોકલ ટ્રેન સહિત દેશના અલગ-અલગ વિસ્તારમાં આતંકી ષડ્યંત્રને અંજામ આપવા ઇચ્છતા હતા. સૂત્રોએ જણાવ્યુ કે રેલવે પોલીસ એટલે કે જીઆરપી અને એજન્સીઓને સંભવિત આતંકી હુમલાની જાણકારી મળી હતી.
હવે ગુપ્તચર એજન્સીઓએ જીઆરપીને ચેતવણી આપી છે કે આતંકી ટ્રેનમાં ગૅસ ઍટેક અથવા પ્લૅટફૉર્મ પર થનારી યાત્રીઓની ભીડને ગાડીથી કચડી શકે છે. સૂત્રો અનુસાર આતંકીઓની પૂછપરછ દરમિયાન દિલ્હી સ્પેશિયલ સેલને મળતી જાણકારી સિવાય જીઆરપીને આ પ્રકારના કેટલાક એલર્ટ કેટલીક એજન્સીઓ પાસેથી મળ્યા છે. એક સિનિયર અધિકારીએ જણાવ્યું છે કે અમને સમયાંતરે આ પ્રમાણેનાં એલર્ટ મળતાં રહે છે. ખાસ કરીને લોકલ ટ્રેન માટે અમે દરેક એલર્ટને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છીએ અને મુસાફરોની સુરક્ષા માટે દરેક પ્રકારનાં પગલાં લઈ રહ્યાં છીએ. દિલ્હી પોલીસની કાર્યવાહી પછી જીઆરપીએ મુંબઈના દરેક મોટા રેલવે સ્ટેશનની સુરક્ષા વધારી દીધી છે અને અમુક એન્ટ્રી અને એક્ઝિટ રસ્તા પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
જીઆરપીએ લાઇવ મોકડ્રીલ કરવાનું શરૂ કર્યું છે, જેમાં અધિકારીને આતંકવાદી હુમલા દરમિયાન મુસાફરોને કેવી રીતે બચાવવા અને પકડવા એ શીખવા મળે છે. જીઆરપીએ રેલવે સ્ટેશન પર પોલીસ તહેનાત કરી છે અને જીઆરપી નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ સહિત બીજી એજન્સીઓના પણ સંપર્કમાં છે. જીઆરપી કમિશનર કૈસર ખાલિદે આદેશ આપ્યો છે કે રેલવે સ્ટેશન પર દરેક સમયે પોલીસની હાજરી જોવા મળવી જોઈએ. આ સિવાય સમય સમય પર લાર બૉમ્બ અને ડૉગ સ્ક્વૉડનું પણ પૅટ્રોલિંગ થતું રહેવું જોઈએ, જેથી કોઈ પણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરી શકાય.
જીઆરપીએ દરેક જગ્યાએ બેરીકેડ અને સ્પીડ બ્રેકર મૂક્યાં છે, જ્યાંથી કોઈ પણ વાહન (કાર અથવા અન્ય ફોર વ્હીલર) પ્લૅટફૉર્મ પર જઈ શકે છે. આતંકવાદીઓનો આતંક ફેલાવવાનો આ સૌથી સરળ રસ્તો છે, જેના કારણે મહત્તમ લોકો મૃત્યુ પામે છે. આ સિવાય જીઆરપી દ્વારા એ તમામ જગ્યાની તપાસ કરવામાં આવી રહી છે, જે રેલવેની નજીક છે અથવા પ્લૅટફૉર્મ પર છે, જ્યાં ગૅસ-સિલિન્ડરનો ઉપયોગ થાય છે, જેથી આતંકવાદી ગૅસ લીક અથવા સિલિન્ડર બ્લાસ્ટ જેવાં કામ ન કરી શકે