News Continuous Bureau | Mumbai
મુંબઈગરાઓ માટે એક મહત્વના અને મોટા સમાચાર છે. મુંબઈમાં ઓટો અને ટેક્સીમાં મુસાફરી કરવી હવે મોંઘી થવા જઈ રહી છે. કારણ કે 1 ઓક્ટોબરથી ઓટો અને ટેક્સીના ભાડામાં વધારો થવા જઈ રહ્યો છે. સીએનજીના ભાવમાં સતત વધારાના કારણે ઓટો અને ટેક્સી યુનિયનની માંગણીઓ આખરે મહારાષ્ટ્ર સરકારે સ્વીકારી લીધી છે. શુક્રવારે ઉદ્યોગ મંત્રી ઉદય સામંત અને ઓટો ટેક્સી ડ્રાઈવરોના સંગઠન વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાડું વધારવાનો નિર્ણય લેવાયો છે.
ટેક્સી માટે 3 રૂપિયા અને રિક્ષા માટે 2 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો આગામી 1 ઓક્ટોબરથી લાગુ થશે. એટલે કે જો તમે ઓટોમાં બેસો છો તો તમારા માટેનું મીટર હવે રૂ.21ને બદલે ઓછામાં ઓછા રૂ.23 થશે. તેવી જ રીતે ટેક્સીમાં બેસવા માટે હવે લઘુત્તમ ભાડું 25 રૂપિયાને બદલે 28 રૂપિયા રહેશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની એસી લોકલમાં ફરી થયો અકસ્માત – આ ટ્રેનના એક ડબ્બામાં લગેજ રેક તૂટી પડ્યો- જુઓ ફોટો
સીએનજીના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે છેલ્લા ઘણા દિવસોથી ઓટો અને ટેક્સી ડ્રાઈવર્સ અને ઓનર્સ એસોસિએશન દ્વારા ભાડામાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી હતી. તેમ જ જો માંગણીઓ નહીં સંતોષાય તો સોમવારથી હડતાળ પર જવાની પણ સંગઠને ચીમકી આપી હતી.
આ અગાઉ માર્ચ 2021માં ઓટો અને ટેક્સીના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો.