ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
મુંબઈનો રસ્તો ફરી એક વાર લોહીથી ખરડાયો છે. મુંબઈમાં વધુ એક હિટ ઍન્ડ રનની ઘટના બની છે, જેમાં બે યુવકોનાં મોત થયાં છે. લોઅર પરેલમાં ફિનિક્સ મૉલની સામે સેનાપતિ બાપટ માર્ગ પાસે બુધવારે રાત્રે એક કારે અચાનક યુ-ટર્ન લેતાં બાઇક સાથે અથડાઈ હતી. એમાં રોડ-અકસ્માતમાં બે યુવકોનાં મોત થયાં હતાં.
પ્રાપ્ત જાણકારી મુજબ એક કાર એલ્ફિન્સ્ટનથી મહાલક્ષ્મી તરફ જઈ રહી હતી અને પુલની વચ્ચે અચાનક યુ-ટર્ન લીધો, જેના કારણે બીજી બાજુથી આવી રહેલી બાઇક કાર સાથે અથડાઈ અને ક્રેશ થઈ ગઈ. આ દરમિયાન દાદર બાજુથી આવી રહેલી અન્ય બાઇક સાથે પણ ટૂ-વ્હીલર ટકરાયું અને બાઇકચાલકો રસ્તા પર પડી ગયા હતા. અકસ્માત બાદ બંનેને નાયર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમાંથી એકનું હૉસ્પિટલમાં લઈ જતાં પહેલાં મૃત્યુ થયું હતું અને બીજાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
નવરાત્રીમાં પર્યાવરણના નિયમોનું પાલન નહીં કર્યું તો આવી બનશે, મુંબઈ મનપાએ આપી ચેતવણી; જાણો વિગત
આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના અંગે એન. એમ. જોષી માર્ગના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક પ્રતાપ ભોસલેએ જણાવ્યું હતું કે IPC કલમ 304 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે અમે એ રસ્તા પર અન્ય સ્થળોએ લગાવેલા CCTV ફૂટેજ તપાસી રહ્યા છીએ, જેથી કારનો નંબર મળી શકે.