ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
જ્ઞાનનો અખુડ ભંડાર પુસ્તકોને માનવામાં આવે છે. પંરતુ જયા વિદ્યા મળે છે ત્યા જ પુસ્તકોની અવદશા થઈ ગઈ છે. મુંબઈની સાંતાક્રુઝમાં કાલીના યુનિવર્સિટીની અંદર આવેલી લાઈબ્રેરીની દુર્દશા અત્યંત ખરાબ થઈ ગઈ છે. યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં છેલ્લા 60-70 વર્ષથી રાખવામાં આવેલ દુર્લભ પુસ્તકોનો ખજાનો નષ્ટ થઈ ગયો છે. હજારો પુસ્તકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. તો કેટલાક પુસ્તકોને ઉધઈ લાગી છે. અમુક પુસ્તકોને તો રદ્દીમાં કાઢી નાખવામાં આવ્યા છે.
પુસ્તકાલયમાં સ્થાનિક ભાષાનો વિભાગ છેલ્લા ચાર વર્ષથી સંપૂર્ણપણે બંધ છે. યુનિવર્સિટીમાં પુસ્તકાલયની ખરાબ હાલત જોઈને પુસ્તકો માટે આંદોલન કરવાનો સમય આવી ગયો હોવાનું યુનિવર્સિટીના યુવાસેના સિનેટના સભ્યોનું કહેવું છે. તેઓએ યુનિવર્સિટી વહીવટીતંત્રને પત્ર લખીને આ અંગે યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે.
પુસ્તકોની થયેલી અવદશાને લઈને યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, મુંબઈ યુનિવર્સિટીમાં જવાહરલાલ નહેરુ પુસ્તકાલયની ઇમારત 1975માં બનાવવામાં આવી હતી. નોલેજ રિસોર્સ સેન્ટર (યુનિવર્સિટી લાઈબ્રેરી) પાસે 7,80,000 પુસ્તકોની સંપત્તિ છે. આ પુસ્તકાલયમાં જગ્યા ન હોવાથી અને કોઈ કામના ન હોવાથી કેટલાક દાતાઓએ પુસ્તકો અને અખબારોનું દાન કર્યું હતું. તેમજ વેચાણના અભાવે આ પુસ્તકાલયમાં કેટલાક પુસ્તકો મોટી સંખ્યામાં રાખવામાં આવ્યા છે.
યુનિર્વસિટીના અધિકારીઓના દાવા મુજબ આ પુસ્તકાલયના ઘણા પુસ્તકો જીર્ણ અને જૂના થઈ ગયા છે. આવા કાલબાહ્ય પુસ્તકો અને જીર્ણ પુસ્તકોની છટણી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમજ અનેક મહત્વપૂર્ણ પુસ્તકોના ડિજીટાઈઝેશન માટે રોબોટિક સ્કેનર દ્વારા સ્કેનિંગની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. જે પુસ્તકો ઉપયોગી નથી તેને રદીમાં વેચવાની કાર્યવાહી ચાલી રહી છે.