ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ભાયખલામાં આવેલા વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીબાગના નૂતનીકરણનો કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ હાથમાં લીધો છે. આ પ્રોજેક્ટ હેઠળ દેશ-વિદેશથી જુદાં જુદાં વન્ય પ્રાણીઓને લાવવામાં આવવાનાં છે. એમાં જૂનાગઢ અને ઇંદોરના પ્રાણી સંગ્રહાલયથી સિંહની એક-એક જોડી રાણીબાગમાં લાવવામાં આવવાની છે. જોકે સિંહના બદલામાં રાણીબાગને તેમને બીજા પ્રાણી આપવા પડવાનાં છે.
મુંબઈ મહાનગરપાલિકા સિંહના બદલામાં આ રાજ્યોના પ્રાણીબાગને ઝેબ્રાની જોડી આપવાની છે. જોકે ઝેબ્રાની જોડી મળ્યા બાદ એને અન્ય રાજ્યના પ્રાણીબાગમાં મોકલવા માટેની પ્રક્રિયા માટે આવશ્યક રહેલી સેન્ટ્રલ ઝૂ ઑથૉરિટીની મંજૂરી હજી સુધી પાલિકાને મળી નથી. આ મંજૂરી મળ્યા બાદ જ મુંબઈને સિંહ મળશે અને ત્યાર બાદ જ મુંબઈના પર્યટકોને સિંહનાં દર્શન કરવા મળવાનાં છે.
હાલ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ઝેબ્રાની બે જોડી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. એ માટે દેશ-વિદેશનાં પ્રાણીસંગ્રહાલયો સાથે ચર્ચા થઈ હતી. છેવટે ઇઝરાયલથી ઝેબ્રાની બે જોડી મળવાની શક્યતા જણાઈ રહી છે. તેમની પાસેથી ઝેબ્રા મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. બહુ જલદી તેમની પાસેથી ઝેબ્રા મળશે, જે ઇંદોર અને જૂનાગઢ સાથે એક્સચેન્જ કરવામાં આવશે એવું પ્રાણીબાગના અધિકારીએ જણાવ્યું હતું.