મુંબઈ શહેર-ઉપનગરો સહિત નવી મુંબઈ, થાણે વિસ્તારમાં આજે સવારથી ભારે વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારે શરુ થયેલો વરસાદ કંઈ એકાદ ઝાપટાં પછી બંધ નહોતો થયો. મેઘરાજાએ તો ચોમાસાં જેવું વાતાવરણ કર્યું હતું. આ વરસાદને કારણે એક તરફ માર્ચની ગરમીથી લોકોને થોડી રાહત મળી છે પણ બીજી બાજુ આ કમોસમી વરસાદે ખેડૂતોની ઊંઘ ઉડાવી છે. એટલું જ નહીં કામ પર જનારા લોકો પણ આ વરસાદ ને કારણે હેરાન થયા છે. આ કમોસમી વરસાદને પગલે માર્ચ મહિનામાં મુંબઇગરાને સવાર સવારમાં છત્રી લઇને ઓફિસ જવું પડ્યું છે.
આજે (મંગળવારે) વહેલી સવારે બોરીવલી, ગોરેગાંવ, જોગેશ્વરી, અંધેરી, બાંદ્રામાં અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી હતી. જોકે, સવારે લગભગ 11.30 વાગ્યા પછી આકાશ થોડુંક સ્વચ્છ જોવા મળી રહ્યું છે. પરંતુ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કે “આગામી 3-4 કલાક દરમિયાન મુંબઈ, થાણે, રાયગઢ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચતા તેજ પવન સાથે વીજળીના ચમકારા અને હળવાથી મધ્યમ વરસાદની સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે. તેથી બહાર જતી વખતે સાવચેતી રાખો.”
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં કેવો વરસાદ પડશે? મોસમનો વર્તારો શું છે? જાણો અહીં.
કમોસમી વરસાદ કેમ પડ્યો?
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઓછા દબાણના પટ્ટાને કારણે વરસાદ માટે પૂરક વાતાવરણ સર્જાયું હતું. અરબી સમુદ્રમાંથી ફૂંકાતા પશ્ચિમી પવનોને કારણે મુંબઈ શહેર અને ઉપનગરોમાં વરસાદ પડ્યો હતો. દરમિયાન, આ કમોસમી વરસાદને કારણે રાજ્યમાં લણાયેલા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેમાં લગભગ 25 જિલ્લા પ્રભાવિત થયા છે અને કમોસમી વરસાદને કારણે 39 હજાર હેક્ટર જમીનને નુકસાન થયું હોવાની માહિતી છે.