News Continuous Bureau | Mumbai
શ્રદ્ધા હત્યાકાંડ બાદ દેશના અનેક વિસ્તારોમાંથી હત્યાના ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. આર્થિક રાજધાની મુંબઈમાંથી પણ આવી કે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ઘરમાંથી મહિલાની ડિકમ્પોસ્ડ લાશ પોલીસે કબજે કરી છે. મહિલાની લાશ ઘરની જ તિજોરીમાં એક પ્લાસ્ટિકની બેગમાંથી મળી આવી છે. આ કેસ સામે આવ્યા બાદ પોલીસ પણ ચોંકી ગઈ છે. અધિકારીઓને મહિલાની હત્યાની શંકા તેની 22 વર્ષીય દીકરી પર છે. જો કે, હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ત્યારે પોલીસે મહિલાની દીકરીની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.
મહિલાના ભાઈ અને ભત્રીજાએ થોડા દિવસો પહેલા કાલાચોકી પોલીસ સ્ટેશનમાં તેણીના ગુમ થયાની જાણ કરી હતી. ફરિયાદ બાદ પોલીસ શોધ માટે મહિલાના ઘરે પહોંચી, જ્યાં તેની લાશ પ્લાસ્ટિકની થેલીમાંથી મળી આવી હતી. મહિલાના હાથ-પગ અને શરીરના ભાગો કાપી નાખવામાં આવ્યા હતા. પોલીસે મોતનું કારણ જાણવા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
પોલીસે જણાવ્યું કે મહિલાની હત્યા ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હતી. મહિલાની હત્યા કર્યા બાદ તેના બંને હાથ અને પગ કાપી નાંખવામાં આવ્યા હતા. આ માટે ઇલેક્ટ્રિક માર્બલ કટર, ધારિયું અને ચપ્પાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે આ વસ્તુઓ કબજે કરી છે.
શબના ટુકડા કરવાનો પહેલો કિસ્સો દિલ્હીમાં…
4 મહિના પહેલા દિલ્હી પોલીસે દિલધડક મર્ડર કેસનો ખુલાસો કર્યો હતો. લગભગ છ મહિના પહેલા 18 મેના રોજ, તેના લિવ-ઇન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ તેની 26 વર્ષની ગર્લફ્રેન્ડ શ્રદ્ધાની નિર્દયતાથી હત્યા કરી હતી અને તેના શરીરને કરવતથી કાપી નાખ્યું હતું. આફતાબે શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા.