ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 ઑક્ટોબર, 2021
શુક્રવાર
કોરોનાકાળમાં સૂની પડેલી મુંબઈની સડકો હવે લોકોની ભીડથી ગાજી ઊઠી છે. દિવાળીનું શૉપિંગ કરવા માટે લોકો ઊમટી પડ્યા છે. એવું લાગે છે કે જાણે ગત દોઢ વર્ષની કસર આ દિવાળીમાં જ પૂરી કરવાનું લોકોએ નક્કી કરી લીધું હોય. મુંબઈ પૂર્વ અને પશ્ચિમ પરાંની નાની- મોટી બજારોમાં ગ્રાહકોનો પ્રવાહ વધી રહ્યો છે. બોરીવલી, મલાડ, કાંદિવલી, દાદર, ઘાટકોપર સહિત ચર્ચગેટ અને બાંદરાની ફૅશન સ્ટ્રીટમાં બહુ જ ગિરદી દેખાઈ રહી છે. એને લીધે લોકલ ટ્રેનોમાં પણ પ્રવાસીઓની સંખ્યા વધી છે. લોકોનાં મનમાંથી કોરોનાનો ડર સાવ નીકળી ગયો હોય એવા ઉત્સાહમાં લોકો કોરોનાના નિયમોને ધાબે ચડાવી રહ્યા છે. કોરોનાની બીજી લહેર તો ગઈ. હવે સાવચેતી નહિ રખાય તો ત્રીજી લહેરને આવતાં વાર નહિ લાગે.
બોરીવલી વેસ્ટના સ્ટેશનથી લઈને મોક્ષ પ્લાઝા સુધીના પટ્ટામાં બેસતા ફેરિયાઓ પાસે ખૂબ ગિરદી થઈ રહી છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું નથી. અહીંયાં સહુથી વધુ મહિલા વર્ગ ખરીદી કરવા આવે છે. સાંજના સમયમાં આ પટ્ટામાં પગ મૂકવાની જગ્યા પણ રહેતી નથી. આવી જ સ્થિતિ મલાડ સ્ટેશન નજીકના નટરાજ માર્કેટ, દાદર સ્ટેશન અને બાંદરા સ્ટેશન પાસેની બજારોમાં જોવા મળી રહી છે.
મુંબઈ પરાનાં સ્ટેશનો પર ગરદુલાઓનો ત્રાસ વધ્યો; અઢી વર્ષમાં આટલા ગરદુલા પકડાયા
ઉપરાંત ઘાટકોપર સ્ટેશન પર રેલવે અને મેટ્રો બન્નેના પ્રવાસીઓની અવજવરથી વધુ ભીડ રહે છે. હાલમાં 80 ટકાથી વધુ લોકોનો લોકલ પ્રવાસ ફરી શરૂ થઈ ગયો છે. એથી ઘાટકોપર સ્ટેશને પ્રચંડ ગિરદી થઈ રહી છે. ત્રણ વર્ષથી આ સ્ટેશન પરની ભીડના નિયોજનની ચર્ચા ચાલુ છે. પ્લૅટફૉર્મ એક ઉપર ૧૦.૭ મીટર પહોળો અને 280 મીટર લાંબો પુલ બાંધવાની યોજના કરાઈ છે. જોકે રેલવે પ્રશાસનનો કારભાર મંદ ગતિએ ચાલતો હોવાથી હજી કેટલા મહિના પ્રવાસીઓએ ત્રાસ સહન કરવો પડશે એવો પ્રશ્ન તેઓ કરી રહ્યા છે.