ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,11 જાન્યુઆરી 2022
મંગળવાર.
મહારાષ્ટ્રના મહેસૂલ વિભાગ દ્વારા મુંબઈ ઉપનગરોમાં હાઉસિંગ સોસાયટીઓને નોન એગ્રીકલ્ચરલ ટેક્સ ભરવાની નોટિસ ફટકારવામાં આવી છે. આ ટેક્સની રકમને લઈને હાઉસિંગ સોસાયટીઓના પદાધિકારીઓમાં ટેન્શન વ્યાપી ગયું છે. દરમિયાન ટેક્સ ભરવાની નોટિસ પર સ્ટે આપવાની માગણી સાથે ભાજપના નેતા અને ધારાસભ્ય આશિષ શેલારની આગેવાની હેઠળ પ્રતિનિધિમંડળે સોમવારે મહેસૂલ પ્રધાન બાળાસાહેબ થોરાટની મુલાકાત લીધી હતી.
મહેસુલ પ્રધાન સાથે મુલાકાત દરમિયાન આશિષ શેલારે એવી રજૂઆત કરી હતી કે મુંબઈ ઉપનગરોમાં લગભગ 20,000 હાઉસિંગ સોસાયટીઓ પર દર વર્ષે વસૂલવામાં આવતો નોન એગ્રીકલ્ચરલ ટેક્સ અન્યાયી છે. આ ટેક્સ સોસાયટીના બાંધકામ સમયે ભર્યો હતો. વળી દક્ષિણ મુંબઈની સોસાયટીઓને આ ટેક્સ ભરવો પડતો નથી, તો ઉપનગરોમાં આવેલી સોસાયટીઓને આ ટેક્સ શા માટે?
મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ હવે અઠવાડિયામાં આટલા દિવસ જ દોડશે.
આશિષ શેલારે આ બાબતે ધ્યાન દોરતા કહ્યું હતું કે અગાઉના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સરકારના ધ્યાનમાં આ મુદ્દો લાવવામાં આવ્યો હતો. તેથી 2008 થી આ ટેક્સની ચૂકવણી માટે આપવામાં આવેલી નોટિસને તત્કાલિન મહેસૂલ મંત્રી ચંદ્રકાંત પાટીલ દ્વારા મોકૂફ રાખવામાં આવી હતી. જોકે બાદમાં ઠાકરે સરકારે ફરી આ નોટિસ જારી કરવામાં આવતા હાઉસિંગ સોસાયટીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આશિષ શેલારે એક પત્ર દ્વારા આ બાબત સરકારના ધ્યાન પર લાવી હતી. બાદમાં સોમવારે આશિષ શેલારના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે મહેસૂલ મંત્રી બાળાસાહેબ થોરાટ સાથે મુલાકાત કરી હતી, જેમાં ઉપનગરની અમુક હાઉસિંગ સોસાયટીના પ્રતિનિધિઓ પણ સામેલ હતા. કોરોનાને પગલે પહેલાથી જ લોકોને ઘણી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. હવે આ બેફામ ટેક્સના ભારને કારણે સોસાયટીઓ વધુ મુશ્કેલીમાં મુકાઈ શકે છે એ બાબત મહેસુલ મંત્રીના ધ્યાન પર લાવવામાં આવી હતી. દરમિયાન, મહેસૂલ મંત્રીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા પછી આના પર નિર્ણય લેવાશે.