ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,
સોમવાર.
સોશિયલ મીડિયા પર કાંદીવલીના વિધાનસભ્ય યોગેશ સાગરે નમાઝ માટે બંધ કરવામાં આવેલો રસ્તો ફરી ખોલાવ્યો હોવાનો એક વિડિયો ફરી વળ્યો હતો. રસ્તો ખોલાવી રહ્યા હોવાનો વિડિયો સાચ્ચો હતો, જોકે જે મેસેજ ફરી રહ્યો હતો તે ગેરમાર્ગે દોરનારો હતો. વિડિયોને કારણે થયેલી બબાલને પગલે યોગેશ સાગરને જાહેરમાં સ્પષ્ટતા કરવી પડી હતી કે આ મેસેજ ફેક છે. એટલું જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ તેમને સ્પષ્ટતા કરવી પડી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્લામેન્ટમાં કોંગ્રેસ વિરુદ્ધમાં આવેલા નિવેદન બાદ મહારાષ્ટ્રમાં કોંગ્રેસે ભાજપના નેતાઓના ઘરની બહાર મોર્ચો કાઢવાની જાહેરાત કરી હતી. તે મુજબ ગયા અઠવાડિયા ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીના કાંદીવલીના ઘરની બહાર કોંગ્રેસ ઘેરાવ કરવાની હતી. તે અગાઉ પોલીસે સુરક્ષાને પગલે ગોપાલ શેટ્ટીના ઘરની પાસેના રસ્તા પર બંને છેવાડે બેરીકેડસ લગાવીને રસ્તો બંધ કરાવી દીધો હતો.
આ રસ્તો બંધ કરવાથી લોકોને આવવા-જવામાં હાલાકી થઈ રહી હોવાની ફરિયાદ સાથે ધારાસભ્ય યોગેશ સાગર રસ્તા પર પહોંચી ગયા હતા અને ભારે ગુસ્સા સાથે તેઓએ પોલીસને બેરીકેડસ હટાવીને રસ્તો ફરી ખોલવા કહ્યું હતું. પોલીસ સાથે ભારે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન કોઈએ સમગ્ર બનાવનો વિડિયો બનાવી નાખ્યો હતો અને કોઈ અસામાજિક તત્વેએ આ વિડિયો ખોટા મેસેજ સાથે સોશિયલ મીડિયા પર ફરાવી નાખ્યો હતો.
યોગેશ સાગર નમાઝ માટે બંધ કરાવેલા રસ્તો ફરી ખોલાવી રહ્યા હોવાનો ખોટો મેસેજ આ વિડિયો સાથે વોટ્સએપ પર ફેરવી નાખ્યો હતો. રસ્તો ખોલવાની માગણી સાથેનો વિડિયો સાચ્ચો હતો પરંતુ મેસેજ ખોટો હતો. સોશિયલ મીડિયા પર ફરી વળેલા એક વોટ્સએપ મેસેજએ જોકે બબાલ મચાવી દીધો હતો. છેવટે યોગેશ સાગરને સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરવી પડી કે મેં આવું કંઈ કર્યું જ નથી. વિડિયો લોકોને ગેરમાર્ગે દોરનારો અને ખોટો છે.