ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022
શનિવાર
ઉત્તર મુંબઈના કાંદિવલી વેસ્ટ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલના ઉદ્ઘાટનને લઈને શિવસેના અને ભાજપ કાર્યકરો વચ્ચે બબાલ થઈ છે. સ્વિમિંગ પૂલનું ઉદ્ઘાટન આવતીકાલે ભાજપના ધારાસભ્ય યોગેશ સાગરના હસ્તે થનાર હતું. પરંતુ તે પહેલા મેયર કિશોરી પેડનેકર કાંદિવલી પહોંચ્યા અને સ્વિમિંગ પૂલનું ઉદ્ઘાટન કર્યું. આમ ફરી એકવાર શિવસેના અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા છે.
સ્વિમિંગ પૂલના ઉદ્ઘાટન સમારોહમાં બંને પક્ષના નેતાઓએ સૂત્રોચ્ચાર કર્યા. જેથી થોડો સમય વાતાવરણ ગરમાયું. ઉદઘાટન સમારોહ ચાલી રહ્યો હતો ત્યારે યોગેશ સાગર પણ સ્થળ પર આવી પહોંચ્યા. યોગેશ સાગરે જય ભવાની, જય શિવાજીની ઘોષણા કરતાં જ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ પ્રસરી ગયો. ભાજપના કાર્યકરો પણ જોરશોરથી સુત્રોચાર કરવા લાગ્યા. જોકે જ્યારે શિવસેના-ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા, ત્યારે મેયર કિશોરી પેડનેકર અને યોગેશ સાગર સ્ટેજ પર હાસ્ય વિનોદ કરતા જોવા મળ્યા હતા. જેથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
મેયર આવ્યા હોવાની જાણ થતા જ ભાજપના કાર્યકરો પણ સ્થળ પર આવી ગયા હતા. કાર્યક્રમમાં ભાજપના નેતાઓ હાજર ન હોવાથી ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. શિવસેનાએ પણ ભાજપના સૂત્રોચ્ચારનો જવાબ આપવાનું શરૂ કર્યું. જેથી આ વિસ્તારમાં થોડો સમય તણાવ જોવા મળ્યો. પોલીસે તાત્કાલિક કાર્યકરોને વિખેરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે ભીડ એટલી વધી ગઈ હતી કે ટોળાને વિખેરવું મુશ્કેલ બની ગયું હતું.
ઉલ્લેખનીય છે કે કાંદિવલી વેસ્ટ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલના બ્યુટીફિકેશનનું કામ ઘણા વર્ષોથી અટકેલું હતું. કોવિડ લોકડાઉન બાદ કામે ફરી વેગ પકડ્યો છે અને આ સ્વિમિંગ પુલનું કામ પૂરું થઈ ગયું છે.