ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022
બુધવાર.
મુંબઈમાં આજે દાદર સ્ટેશનની બહાર કોંગ્રેસ-ભાજપના કાર્યકર્તાઓ સામ-સામે થઈ ગયા હતા. પેગાસસ જાસૂસી પ્રકરણમાં થયેલા નવા ખુલાસા બાદ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ કાર્યાલય પર મોરચો લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભાજપના કાર્યકરોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તા સામે સામે થઈ જતા કાયદા-સુવ્યસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસે રાજકીય પક્ષોના કાર્યકર્તાઓને અટકાયતમાં લીધા હતા.
મુંબઈ યુથ કોંગ્રેસે દાદરમાં આ આંદોલન છેડ્યું હતું. એ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીએ મિડિયા હાઉસને કહ્યું કે દેશમાં દરેક નાગરિકની જાસૂસી કરવામાં આવી રહી છે. ફોન ટેપિંગ ચાલી રહ્યું છે. પત્રકારો, રાજકીય નેતાઓ અને સામાજિક કાર્યકરોની જાસૂસી કરવામાં આવી રહી છે. આપણા જ દેશમાં નાગરિકો સુરક્ષિત નથી. તેના વિરોધમાં આંદોલન છેડવામાં આવ્યું છે.
સાંસદ ખોવાઈ ગયા હોવાના બાંદ્રામાં લટકયા બેનર: ભાજપ ઉકળી ઉઠયું જાણો વિગત
કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યાલય તરફ મોર્ચો લઈ જવાની તૈયારી કરી હતી. જોકે પરિસ્થિતિ નિયંત્રણ બહાર જાય તે માટે પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ પોલીસને નહીં ગણકારતા કોંગ્રેસના ધારાસભ્ય જીશાન સિદ્દીકીની પોલીસે ધરપકડ કરી હતી. તો અનેક કોંગ્રેસ કાર્યકર્તાઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
દાદર સ્ટેશનની બહાર કોંગ્રેસના આંદોલનનો ભાજપે પણ જવાબ આપ્યો હતો. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાજપના કાર્યકરો વસંત સ્મૃતિ કાર્યાલયમાંથી બહાર આવ્યા અને દાદર સ્ટેશન જવાનો પ્રયાસ કર્યો. જોકે પોલીસે તેમને અટકાવ્યા હતા. પોલીસ દ્વારા રોકવામાં આવ્યા બાદ ભાજપના કાર્યકરોએ રસ્તા પર જ ગોઠવાઈ ગયા હતા.
મુંબઈ પોલીસે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર્યકર્તાઓએ પોલીસને જ ધક્કા ચઢાવી હોવાનું કહેવાય છે.