ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 જાન્યુઆરી 2022
મંગળવાર
શાળાના રસ્તાઓ પર બાળકો ઝડપભેર દોડતા વાહનોથી બચીને શાળાએ પહોંચે છે. બાળકો કોઈ દુર્ઘટનાનો શિકાર ન બને, આ ચિંતા ઘણા માતા-પિતાના મનમાં હંમેશા રહે છે. આને ધ્યાનમાં રાખીને, મુંબઈ મહાનગર પાલિકાએ ‘સેફ સ્કૂલ ઝોન’નો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. તેનો પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યો છે. મુંબઈમાં પ્રથમ સેફ સ્કૂલ ઝોન પ્રોજેક્ટ સંબંધિત એક સર્વે પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ સર્વેમાં, મુંબઈના ભાયખલા સ્થિત ક્રાઇસ્ટ ચર્ચ સ્કૂલના 93% બાળકોએ તેમના અનુભવો શેર કર્યા. 'શાળામાં જવું પહેલા કરતાં વધુ સુરક્ષિત અને સરળ બની ગયું છે. હવે અમે શાળાની સામેના રસ્તા પર મુક્તપણે ચાલી શકીએ છીએ', વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.
સેફ સ્કૂલ ઝોનને કારણે સ્કૂલ પાસે અકસ્માતની શક્યતા ઘણી હદે ઘટી ગઈ છે. આ સર્વેમાં બહાર આવ્યું છે કે રાહદારીઓ માટે રોડ ક્રોસ કરવા માટે બનાવવામાં આવેલા ઝેબ્રા ક્રોસિંગમાં, જ્યાં 9.8% વાહનો તેમની સ્પીડ ઓછી કરતા હતા, ત્યાં આ નવા પ્રકારના ઝેબ્રા ક્રોસિંગમાં હવે 41% ડ્રાઈવરોએ વાહનોની સ્પીડ ઓછી કરી દીધી છે.
પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ હવે બાકીની શાળાઓની બહાર સેફ સ્કૂલ ઝોન બનાવવામાં આવશે. BMC અને ટ્રાફિક પોલીસે વર્લ્ડ રિસોર્સ ઈન્સ્ટિટ્યૂટ, ઈન્ડિયા રોસ સેન્ટર સાથે મળીને ભાયખલા વિસ્તારમાં મિર્ઝા ગાલિબ માર્ગ પર સેફ સ્કૂલ ઝોનનો આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ બ્લૂમબર્ગ ફિલાન્થ્રોપી ઇનિશિયેટિવ ફોર ગ્લોબલ સેફ્ટી પ્રોજેક્ટનો એક ભાગ છે. તેમનો હેતુ મુંબઈમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી અને વોકેબલ સ્કૂલ ઝોન તૈયાર કરવાનો છે.
જોકે આ પ્રોજેક્ટ ખાસ કરીને રસ્તા પર ચાલીને શાળાએ જતા બાળકો માટે બનાવવામાં આવ્યો છે. પરંતુ આ બાળકોની સાથે સાથે અન્ય પગપાળા ચાલતા રાહદારીઓ માટે પણ સુરક્ષીત અને સરળ માર્ગ સુવિધા ઉપલબ્ધ કરાવે છે. આ પ્રોજેક્ટમાં કોન્સ, બેરીકેટ્સ, પ્લાન્ટર્સ, ચોક અને પેઇન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સરળતાથી ઉપલબ્ધ વસ્તુઓ સાથે, શાળા માટે સલામત ઝોન તૈયાર કરવામાં આવ્યો હતો.
ટ્રાફિકનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. તેમની ઝડપના નિયમો નિશ્ચિત કરવામાં આવ્યા. રસ્તા પર ચાલવા અને રસ્તો ક્રોસ કરવા માટે કોર્નર નક્કી કરવામાં આવ્યા હતા. આ રીતે આ આદર્શ પ્રયોગે પોતાનું પહેલું પગલું ભાયખલાની આ સ્કુલ પાસેના રસ્તા પર સફળતા પુર્વક રાખ્યું. આગળ, બીએમસીએ અન્ય શાળાઓની સામેના રસ્તાઓ પર પણ આ પ્રયોગનું પુનરાવર્તન કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.